ગાઝિયાબાદ પોલીસે મહેકાવી માનવતા, ઝાડીમાં તરછોડાયેલી બાળકીને લીધી દત્તક…

ગાઝિયાબાદઃ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક હૃદય સ્પર્શી ઘટના સામે આવી છે. શનિવારે ઝાડીમાં તરછોડવામાં આવેલી નવજાત બાળકીને એક પોલીસકર્મીએ દત્તક લીધી છે. જાણકારી અનુસાર લોકોએ બાળકીના રડવાનો અવાજ સાંભળી પોલીસને સૂચના આપી. જે બાદ દૂધિયા પીપલ પોલીસ ચોકીના સબ ઈન્સ્પેક્ટર પુષ્પેન્દ્ર સિંહના નેતૃત્વમાં પોલીસ ટીમ સ્થળ પર પહોંચી અને બાળકીને ઝાડીમાંથી સુરક્ષિત બહાર કાઢી, જે બાદ બાળકીને મેડિકલ તપાસ માટે ડાસના સીએસસી લઈ જવામાં આવી. બાળકી સતત રડતી હોવાથી તેની હાલત નાજુક થઈ ગઈ હતી. જેને જોઈ સબ ઈન્સ્પેક્ટર પુષ્પેંદ્ર સિંહ અને તેની પત્ની રાશિએ નવજાત બાળકીને દત્તક લેવાનો ફેંસલો કર્યો.
સબ ઈન્સ્પેક્ટરના 2018માં લગ્ન થયા હતા પરંતુ સંતાન નહોતું
પુષ્પેન્દ્ર સિંહના 2018માં લગ્ન થયા હતા પરંતુ આજદિન સુધી સંતાન સુખ પ્રાપ્ત થયું નહોતું. તેથી ઝાડીમાંથી મળેલી બાળકીને તેમના પરિવારમાં સામેલ કરવા માટે કાનૂની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સબ ઈન્સ્પેક્ટર પુષ્પેન્દ્ર સિંહે નવરાત્રી દરમિયાન તેમના ઘરે બાળકીના આગમનને ભગવાનના આશીર્વાદ ગણાવ્યા છે. તેમણે બાળકીના ભવિષ્યને લઈ પોતાની ખુશી અને સમર્પણ વ્યક્ત કર્યુ છે. ઈન્સ્પેક્ટર અંકિત ચૌહાણે પણ બાળકીને દત્તક લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હોવાની પુષ્ટિ કરી છે.
પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાના માધ્યમથી બાળકીને લાવારિસ હાલતમાં છોડી જનારા લોકોની ઓળખ કરવાની કોશિશ કરી રહી છે. નવરાત્રી સમયે આ રીતે બાળકીને તરછોડીને જવું ચિંતાનો વિષય છે. ગાઝિયાબાદમાં એક મહિલાએ તાજેતરમાં રોડવેઝ બસમાં બાળકને જ્ન્મ આપ્યો હતો. એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવવામાં આવી હતી પરંતુ એમ્બ્યુલન્સ પહોંચી ત્યારે મહિલાને અચાનક તીવ્ર દર્દ થવા લાગ્યું. આ દરમિયાન મહિલાને હોસ્પિટલ ન લઈ જવામાં આવી અને બસમાં જ પ્રસુતિ કરાવવામાં આવી હતી.