સૌમ્યા વિશ્ર્વનાથન હત્યા કેસમાં ચારને જનમટીપ અને દંડ
પાંચમા ગુનેગારને ત્રણ વર્ષની કેદ અને દંડ
નવી દિલ્હી: અહીંની એક અદાલતે ટીવી પત્રકાર સૌમ્યા વિશ્ર્વનાથનની ૨૦૦૮માં થયેલી હત્યાના ચાર ગુનેગારને શનિવારે જનમટીપ ફરમાવી હતી, જ્યારે પાંચમા ગુનેગારને ત્રણ વર્ષ જેલની સજા કરી હતી.
ઍડિશનલ સેશન્સ જજ રવીન્દ્રકુમાર પાણ્ડેયે રવિ કપૂર, અમિત શુકલ, બલજિત મલિક અને અજય કુમારને જનમટીપ ફરમાવાની સાથે દરેકને રૂપિયા ૧.૨૫ લાખનો દંડ પણ કર્યો હતો.
પાંચમા ગુનેગાર અજય સેઠીને ત્રણ વર્ષની સાદી કેદ અને રૂપિયા ૭.૨૫ લાખનો દંડ કરાયો હતો. આમ છતાં, અદાલતે એ વાતની નોંધ લીધી હતી કે આ ગુનેગારે અત્યાર સુધીમાં ૧૪ વર્ષ કરતાં વધુ સમય જેલની સજા ભોગવી છે.
અદાલતે ગુનેગારોને કરાયેલા કુલ રૂપિયા ૧૨ લાખના દંડની રકમ જેમની હત્યા કરાઇ હતી, તેમના પરિવારના સભ્યોને આપવાનો આદેશ આપ્યો હતો. ન્યાયાધીશે
સજા જાહેર કરતા જણાવ્યું હતું કે આ કેસ ‘રેરેસ્ટ ઑફ રેર’ની કેટેગરીમાં નહિ હોવાથી દેહાંતદંડ થઇ ન શકે.
અગાઉ, સૌમ્યા વિશ્ર્વનાથનની માતાએ અદાલતને જણાવ્યું હતું કે અમે છેલ્લાં પંદર વર્ષ કરતાં વધુ સમયથી ન્યાયની રાહ જોઇ રહ્યા છીએ.
અંગ્રેજી ચેનલમાં કામ કરતી સૌમ્યા વિશ્ર્વનાથનની દક્ષિણ દિલ્હીના નેલ્સન મંડેલા માર્ગ પર ૨૦૦૮ની ૩૦ સપ્ટેમ્બરે હત્યા કરાઇ હતી. તેઓ કામ પરથી ઘેર પાછા જતાં હતાં ત્યારે તેમને ગોળી મરાઇ હતી. પોલીસના મત મુજબ લૂંટવાના ઇરાદાથી આ ગુનો આચરવામાં આવ્યો હતો.
અદાલતે રવિ કપૂર, અમિત શુકલ, બલજિત મલિક અને અજય કુમારને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ (હત્યા) અને ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (સંગઠિત ગુના) માટેની મહારાષ્ટ્ર ક્ધટ્રૉલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ (મકોકા)ની જોગવાઇ હેઠળ ૧૮ ઑક્ટોબરે દોષી ઠેરવ્યા હતા.
અજય સેઠીને ભારતીય દંડ સંહિતાની કલમ ૪૧૧ (ચોરાયેલી ચીજો મેળવવી) અને મહારાષ્ટ્ર ક્ધટ્રૉલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટની ગુનો આચરવા માટે પ્રોત્સાહિત કરવા અને ગુનેગારોને મદદ કરવાને લગતી કલમ હેઠળ દોષી ઠેરવવામાં આવ્યા હતા.
ફરિયાદ પક્ષે આક્ષેપ કર્યો હતો કે રવિ કપૂરે સૌમ્યા વિશ્ર્વનાથનને દક્ષિણ દિલ્હીના નેલ્સન મંડેલા માર્ગ ખાતે ૨૦૦૮ની ૩૦ સપ્ટેમ્બરે દેશી બનાવટની પિસ્તોલમાંથી ગોળી મારી હતી. અગાઉ, ગુનેગારોએ સૌમ્યાને લૂંટવા તેમની કારનો પીછો કર્યો હતો. આ ઘટના વખતે કપૂરની સાથે અમિત શુકલ, અજય કુમાર અને બલજિત મલિક હતા.
પોલીસને હત્યારાઓ દ્વારા વપરાયેલી કાર પાંચમા ગુનેગાર અજય સેઠી ઉર્ફે ચાચાની પાસેથી મળી હતી. (એજન્સી)