શું બ્રાન્ડેડ દવાઓ કરતાં જેનરિક દવાઓ ઉતરતી છે? જાણો શું કહે છે નિષ્ણાતો…

નવી દિલ્હી: આપણે અનેક વખત સાંભળતા આવ્યા છીએ કે ડોકટરો તેમના પ્રિસ્ક્રિપ્શન પર જેનેરિક દવાઓ લખતા નથી. હવે સુપ્રીમ કોર્ટે પણ આ મામલે હસ્તક્ષેપ કર્યો છે અને કહ્યું છે કે ડોકટરો માટે દર્દીઓના પ્રિસ્ક્રિપ્શન પર જેનેરિક દવાઓ લખવાનું ફરજિયાત બનાવવું જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે આ જેનેરિક દવાઓ શું છે અને તે બ્રાન્ડેડ દવાઓથી કેવી રીતે અલગ છે? આવો, આ વિશે વિગતવાર જણાવીએ.
કેમ ચર્ચામાં છે મુદ્દો?
તાજેતરમાં, સુપ્રીમ કોર્ટમાં એક અરજી પર સુનાવણી કરવામાં આવી હતી અને આ દરમિયાન દાવો કરવામાં આવ્યો હતો કે ડોકટરો મોંઘી બ્રાન્ડેડ દવાઓ લખી આપે છે જેથી તેઓ દવા કંપનીઓ પાસેથી કમિશન મેળવી શકે. આ અંગે ટિપ્પણી કરતા કોર્ટે કહ્યું કે જો દેશભરના ડોકટરો માટે જેનેરિક દવાઓ લખવાનું ફરજિયાત બનાવવામાં આવે તો આ સમસ્યાનો ઉકેલ આવી શકે છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો નથી.
બ્રાન્ડેડ અને જેનેરિક દવાઓ વચ્ચે શું તફાવત?
સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી બાદ આપણા માનસમાં ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા હશે, જેમ કે બ્રાન્ડેડ અને જેનેરિક દવાઓ વચ્ચે શું તફાવત છે? તેમની કિંમતોમાં કેટલો તફાવત છે અને શું આ દવાઓ શરીર પર સરખી જ અસર કરે છે? આ બધા પ્રશ્નોના જવાબો આપણે નિષ્ણાતો પાસેથી જાણીશું, પરંતુ તે પહેલાં ચાલો સમજીએ કે જેનેરિક અને બ્રાન્ડેડ દવાઓ શું છે.
દવાઓ માટે કેમિકલ કમ્પોઝીશનનું મહત્વ
હકીકતે દરેક દવા એક મૂળભૂત તત્વ એટલે કે કેમિકલ કમ્પોઝીશનથી બનેલી હોય છે. આ સૉલ્ટ કેપ્સ્યુલ્સ અથવા અન્ય સ્વરૂપમાં તૈયાર કરવામાં આવે છે, જેની રોગ પર અસર થાય છે. જ્યારે કોઈ કંપની દવાના સૉલ્ટને તેના બ્રાન્ડ નામથી બજારમાં વેચે છે, ત્યારે તેને બ્રાન્ડેડ દવા કહેવામાં આવે છે. જ્યારે જે દવાઓ કોઈ ચોક્કસ બ્રાન્ડ નામ વિના વેચાય છે તે જેનેરિક દવાઓ છે. જેનેરિક દવાઓનું પેકેજિંગ અને લેબલિંગ સામાન્ય રીતે બ્રાન્ડેડ દવાઓ કરતાં સરળ હોય છે, પરંતુ તેમાં બ્રાન્ડેડ દવાઓ જેવા જ સૉલ્ટ હોય છે.
શું જેનેરિક દવાઓ ઓછી અસરકારક છે?
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જો બ્રાન્ડેડ અને જેનેરિક દવાઓમાં સૉલ્ટ સમાન હોય, તો તેમની અસરમાં કોઈ તફાવત નથી. દવાનું કામ સૉલ્ટ કરે છે, તેનું બ્રાન્ડ નામ નહીં. મોટાભાગના કિસ્સાઓમાં, જેનેરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓ જેટલી જ અસરકારક હોય છે. આ ઉપરાંત જેનેરિક દવાઓના પણ ઘણા ફાયદા છે, જેમાંથી સૌથી મહત્વપૂર્ણ એ છે કે તે બ્રાન્ડેડ દવાઓ કરતાં ઘણી સસ્તી હોય છે. જેનેરિક દવાઓ સામાન્ય ફાર્મસીઓ અને દવાની દુકાનો પર પણ સરળતાથી ઉપલબ્ધ છે.
આપણ વાંચો : દવાઓ અને ઇન્સ્યુલિનથી મેળવ્યો છુટકારો? અમિત શાહે જણાવી પોતાની ફિટનેસ સિક્રેટ