જેન્ડર સ્ટીરિયોટાઈપ્સઃ સુપ્રીમ કોર્ટે આ શબ્દ બદલવાનો નિર્ણય લીધો
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે જેન્ડર સ્ટીરિયોટાઇપ્સ (જાતીય રુઢીવાદી) હેન્ડબુકમાં સેક્સ વર્કર શબ્દ બદલવાનો નિર્ણય લીધો છે. માનવ તસ્કરી વિરોધી એનજીઓ (સામાજિક સંસ્થા)ની જૂથ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવ્યા પછી આ અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટે નિર્ણય લીધો હતો. હવે સેક્સ વર્કર શબ્દની જગ્યાએ વધુ સમાવિષ્ટ ભાષાનો ઉપયોગ કરવામાં આવશે, કારણ કે સેક્સ વર્કર શબ્દ જેન્ડર સ્ટીરિયોટાઇપ્સને પ્રોત્સાહન આપે છે.
એનજીઓના ગ્રુપે અપીલ (કરતો પત્ર) કરી હતી, જેમાં તેમને જણાવ્યું હતું કે સેક્સ વર્કર શબ્દ એ જેન્ડરને છતી કરે છે, તેથી નામદાર કોર્ટને વિનંતી કે જ્યારે પણ તસ્કરી કરાયેલી યુવતીઓને બચાવવામાં આવે તો તેમના માટે સેક્સ વર્કરની જગ્યા એ કોઈ વ્યવસ્થિત શબ્દનો ઉપયોગ કરવામાં આવે.
આ પત્ર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને લખવામાં આવ્યો હતો. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે જેન્ડર સ્ટીરિયોટાઇપિંગ પરની તેની હેન્ડબુકમાંથી સેક્સ વર્કરના સ્થાને ‘તસ્કરીનો ભોગ બનેલી/બચી ગયેલી અથવા વ્યાપારી જાતીય પ્રવૃત્તિમાં રોકાયેલી અથવા વ્યાવસાયિક જાતીય શોષણ માટે ફરજ પાડવામાં આવેલી મહિલા’ શબ્દોનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ અંગે ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે સેક્સ વર્કર જેવા શબ્દોનો ઉપયોગ પણ જેન્ડર સ્ટીરિયોટાઇપ્સને પ્રોત્સાહન આપી શકે છે.
એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ એનજીઓના બેનર હેઠળના એક જૂથે ઓગસ્ટ 2023માં કોર્ટ દ્વારા પ્રકાશિત હેન્ડબુક ઓન કોમ્બેટિંગ જેન્ડર સ્ટીરિયોટાઇપ્સમાં વપરાયેલ પરિભાષામાં “સેક્સ વર્કર” શબ્દના ઉપયોગ પર ફરી વિચાર કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે એનજીઓને એક ઇમેઇલ દ્વારા જાણ કરી કે CJI એ ફેરફાર સ્વીકાર્યો છે.
સુપ્રીમ કોર્ટે ઓગસ્ટ 2023માં હેન્ડબુક લોન્ચ કરી હતી, જેમાં સુપ્રીમ કોર્ટે મહિલાઓ માટે વપરાતા વાંધાજનક શબ્દો પર પ્રતિબંધ મૂકવા માટે એક હેન્ડબુક લોન્ચ કરી હતી, જેમાં 43 જેટલા સ્ટીરિયોટાઇપ શબ્દો અને શબ્દસમૂહોનો ઉપયોગ નહીં કરવા સૂચના આપવામાં આવી હતી અને તે શબ્દોની જગ્યાએ વૈકલ્પિક શબ્દો અને ભાષા સૂચવવામાં આવી હતી, જેમાં વેશ્યાને બદલે સેક્સ વર્કર શબ્દનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. એનજીઓ જૂથે તેના પર વાંધો વ્યક્ત કર્યો હતો.