આવનારા બજેટમાં જેમ્સ-જ્વેલરી એસોસિયેશનની આ માગણી પૂરી થશે?
નવી દિલ્હીઃ દેશમાં બજેટ રજૂ કરવા માટે તડામાર તૈયારી ચાલી રહી છે. એક ફેબ્રુઆરીના રોજ નાણા પ્રધાન નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. એ પહેલા અલગ અલગ ક્ષેત્રના બિઝનેસમાં જોડાયેલો લોકો તેમને મળીને તેમની માગણીઓ રજૂ કરી રહ્યા છે. હવે જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગે પણ તેમને મળીને માગણીઓ રજૂ કરી છે.
જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગે આગામી બજેટમાં સરકાર પાસે GST ઘટાડીને એક ટકો કરવાની માગ કરી છે. રત્નો અને ઝવેરાતના વેપારીઓએ આગામી બજેટમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ હાલના ત્રણ ટકાથી ઘટાડીને એક ટકો કરવાની માગ કરી છે. તેમણે એવો તર્ક રજૂ કર્યો છે કે હાલના સમયમાં સોના અને ચાંદી તેમ જ રત્ન આભૂષણોની કિંમતમાં ભારે વધારો થયો છે. ઉપરાંત જીએસટીના ત્રણ ટકા દરનો બોજો પણ ગ્રાહકે વેઠવો પડે છે. સોનાના વધતા જતા દર ઉદ્યોગો અને ગ્રાહકો માટે ઘણા બોજારૂપ સાબિત થઇ રહ્યા છે. એવા સમયે જીએસટી ઘટાડવાથી ગ્રાહકો ખરીદી માટે વધુ સક્ષમ બનશે.
જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગે એવું પણ સૂચન કર્યું હતું કે કુદરતી અને લેબમાં ઉગાડવામાં આવતા હીરા પર અલગ અલગ જીએસટી હોવો જોઇએ. હાલમાં કુદરતી અને લેબમાં ઉગાડવામાં આવતા હીરા પર સમાન જીએસટી લાગુ પડે છે. તેમણે લેબમાં ઉગાડવામાં આવતા હીરા પર રાહત દરે જીએસટી લગાવવાની માગ કરી હતી, જેનાથી લોકોને રાહત રહે અને આ હીરાને બજારમાં ઓળખ મળે.
આ પણ વાંચો : તમે પણ Bank Lockerમાં રાખો છો જ્વેલરી તો આ વાંચી લો, પછી કહેતા નહીં કે…
જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગના અધ્યક્ષે જ્વેલરી ઉદ્યોગ માટે એક ડેડીકેટેડ મંત્રાલય અને અલગ મંત્રી તેમ જ રાજ્ય દીઠ નોડલ ઑફિસ રાખવાની પણ માગ કરી છે. આ ઉપરાંત જ્વેલરીની ખરીદી માટે ઇએમઆઇ સુવિધા શરૂ કરવા માટે પણ માગ કરવામાં આવી છે.
જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગના વાઇસ ચેરમેન અવિનાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે તેમણે સરકારે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં સુધારાની જરૂરિયાત અંગે પણ જણાવ્યું હતું કારણ કે આ સ્કીમ દેશમાં નિષ્ક્રિય પડી રહેલા ઘરેલું સોનાને બહાર લાવવાની ક્ષમતા ધરાવે છે, જેને કારણે આયાત ઓછી કરવામાં મદદ મળે છે.