
જયપુરઃ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના ભણકારા આવી ગયા છે. આગામી મહિનામાં અહીં ચૂંટણી છે. કૉંગ્રેસ, ભાજપ સહિત અન્ય પાર્ટીઓએ તેમના ઉમેદવારોના લિસ્ટ જારી કરી દીધા છે. ભાજપે ફરી એક વાર વસુંધરા રાજે પર વિશ્વાસ દર્શાવ્યો છે, જ્યારે કૉંગ્રેસમાં વસ્તુસ્થિતિ અલગ છે. કોંગ્રેસ પાર્ટીએ હાલમાં અશોક ગેહલોતને રાજસ્થાનમાં મુખ્ય પ્રધાન પદના દાવેદાર તરીકે જાહેર કર્યા નથી કર્યા. ચૂંટણીના પરિણામો બાદ મુખ્ય પ્રધાન પદ કોને સોંપવું એ અંગે નિર્ણય લેવામાં આવશે એમ તેમણે જણાવ્યું છે. જોકે, આ દરમિયાન અશોક ગેહલોત પોતે જ એ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જો રાજસ્થાનમાં કૉંગ્રેસ જીતશે તો તેઓ જ ફરી એકવાર ખુરશી પર બેસશે.”
હાલમાં જ આ અંગે સંકેત આપનાર ગેહલોતે હવે વધુ ખુલ્લેઆમ પોતાનો દાવો રજૂ કર્યો છે. ગેહલોતે કહ્યું છે કે જો લોકો તેમના નામ પર કૉંગ્રેસને વોટ કરશે તો તેઓ મુખ્ય પ્રધાનપદ કેમ છોડે?
ગેહલોતે આમ કહ્યા બાદ હવે બધાની નજર શાંત, સૌમ્ય અને મ્રુદુભાષી સચિન પાયલટ પર છે કે જેઓ કોંગ્રેસની જીત બાદ કમાન મેળવવાની આશા રાખી રહ્યા છે. ગઇ વિધાનસભા ચૂંટણીમાં પણ અશોક ગેહલોતે પક્ષના મોવડી મંડળ પાસે પોતાનો કક્કો ખરો કરાવીને મુખ્ય પ્રધાન પદ મેળવી લીધું હતું. આ વખતે પણ તેમના તેવર એવા જ છે. ગેહલોત તો જોકે, કહી પણ ચૂક્યા છે કે તેમને રાજકારણ, ખુરશી છોડવી છે, પણ ખુરશી જ તેમને નથી છોડતી. આનો અર્થ સાફ છે કે રાજસ્થાનમાં કૉંગ્રેસ જીતે તો પણ ગેહલોત કોઇ કાળે સચિન પાયલટને મુખ્ય પ્રધાન નહીં બનવા દે અને સચિન પાયલોટના હાથમાં ફરી એકવાર ઠીકરું જ આવશે. આવા સંજોગોમાં સચિન પાયલોટ શું કરે છે એના પર સહુની નજર રહેશે.