બિહારમાં ગાયત્રી મહાયજ્ઞમાં નાસભાગઃ બે મહિલાના મોત

સારણઃ બિહારના સારણ જિલ્લાના દરિયાપુર બ્લોકના મસ્તિચકમાં ચાલી રહેલા 251 કુંડિયા ગાયત્રી મહાયજ્ઞમાં નાસભાગ મચી ગઈ હતી. ભારે ભીડને કારણે કેટલીક મહિલાઓ કચડાઈ ગઈ હતી જેમાંથી બેના મોત થયા છે, જ્યારે પાંચ ઘાયલ હોવાનું કહેવાય છે. આ મહાયજ્ઞ અને આંખની હોસ્પિટલના ઉદ્ઘાટન માટે રાજ્યપાલ એક દિવસ પહેલા ગુરુવારે પહોંચ્યા હતા.
આ મહાયજ્ઞ ત્રણ-ચાર દિવસથી ચાલી રહ્યો છે. આજે તેનો છેલ્લો દિવસ છે. આ પ્રસંગે મહાયજ્ઞમાં ભાગ લેવા મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી. બિહારના સારણ જિલ્લાના દરિયાપુર બ્લોકના મસ્તિચકમાં ચાલી રહેલા 251 કુંડિયા ગાયત્રી મહાયજ્ઞની ભીડમાં એવો હંગામો મચી ગયો કે કેટલાક લોકો નીચે પડી ગયા હતા. આ પછી સ્થિતિ સુધરવાને બદલે વણસી ગઈ. કેટલાક લોકો પડ્યા અને કેટલાક લોકો તેમને ઉપાડવાને બદલે આગળ વધવા લાગ્યા.
પછી થોડી જ વારમાં નાસભાગ મચી ગઈ. જ્યાં સુધી લોકો સાવચેત બનતા અને ચુસ્ત બંદોબસ્ત હોવાનો દાવો કરતી પોલીસ અને વહીવટી તંત્ર બધુ સંભાળે ત્યાં સુધીમાં મોટા પ્રમાણમાં નાસભાગ મચી ગઇ હતી. પરિણામે બે મહિલાઓના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.