ગૌતમ અદાણીએ નવી મુંબઈ એરપોર્ટની સરખામણી કમળ સાથે કરી, ભારતના ભવિષ્યનું પ્રવેશદ્વાર ગણાવ્યું

નવી દિલ્હી: નવી મુંબઈમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લું મુકવામાં આવેલા અદાણી સંચાલિત નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (એનએમઆઈએ)ની સરખામણી કમળ સાથે કરતાં જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ બુધવારે જણાવ્યું હતું કે આ એરપોર્ટ ભારતના ભવિષ્યનું પ્રવેશદ્વાર સાબિત થશે અને આર્થિક પ્રગતિને અનેકગણી વધારશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યા પછી તરત જ લિન્કેડિન પર તેમણે આ ઘટનાને ભારતની માળખાકીય સુવિધાઓ અને રાષ્ટ્ર નિર્માણ યાત્રામાં એક સીમાચિહ્નરૂપ ક્ષણ ગણાવી હતી.
આપણ વાંચો: નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ ડીબી પાટીલ
આ એરપોર્ટને ‘ભારતના દૂરંદેશી નેતૃત્વ અને જાહેર-ખાનગી ભાગીદારીની શક્તિનો પુરાવો’ ગણાવતા, અદાણીએ પ્રોજેક્ટના ઝડપી અમલ પર ભાર મૂક્યો હતો આ પ્રોજેક્ટ 20,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે 50 મહિનાથી ઓછા સમયમાં પૂર્ણ થયો છે. જે દેશની મહત્વાકાંક્ષા અને ગતિશીલતાનું પ્રતીક છે.
આ એરપોર્ટ 200,000 થી વધુ નોકરીઓનું સર્જન કરશે અને પ્રવાસન, વેપાર અને નવા વ્યાપાર કોરિડોરને વેગ આપશે તેવી અપેક્ષા છે, જે ભારતના 10 ટ્રિલિયન ડોલરના અર્થતંત્રના લક્ષ્યમાં ફાળો આપશે.
આ એરપોર્ટ બનાવનાર અદાણી ગ્રુપના ચેરમેન અદાણીએ પણ એરપોર્ટના ટકાઉપણું અને આત્મનિર્ભરતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું, તેને ‘આત્મનિર્ભરતાની દીવાદાંડી’ ગણાવ્યું હતું, જે ભારતના વારસા અને ભવિષ્યની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે.
તેમણે ઉડ્ડયન, લોજિસ્ટિક્સ, ટકાઉપણું અને ડિજિટલ માળખાગત સુવિધાઓમાં રોકાણ વધારવાની યોજનાઓ સાથે, રાષ્ટ્ર નિર્માણ પ્રત્યે અદાણી ગ્રુપની પ્રતિબદ્ધતાને પુન:પુષ્ટિ આપી.
અદાણીએ કહ્યું હતું કે નવું એરપોર્ટ, ‘મહારાષ્ટ્રની માટીમાંથી ઉગતું, કમળ જેવું છે, જે આપણા વારસામાં ઊંડે સુધી મૂળ ધરાવે છે, છતાં આકાશ સુધી પહોંચે છે.’ ‘આ રનવે પરથી પ્રસ્થાન કરતી દરેક ફ્લાઇટ 1.4 અબજ ભારતીયોના આશીર્વાદ લઈને જશે, અને દરેક આગમન વિશ્ર્વને યાદ અપાવશે કે ભારતનો સમય હવે છે.’
તેમણે કહ્યું, ભારત પૃથ્વી પરના એવા થોડા સ્થળોમાંનું એક છે જ્યાં દેશનું નિર્માણ ફક્ત વ્યાપારી પ્રયાસ નથી પરંતુ રાષ્ટ્રીય સેવાનું એક સ્વરૂપ છે. ‘જ્યારે અમે સપ્ટેમ્બર 2021માં ભૂમિપૂજન કર્યું, ત્યારે અમે એક સ્વપ્ન જોયું હતું કે ભારતની મહત્વાકાંક્ષા અને મુંબઈની ઉર્જાને પ્રતિબિંબિત કરતું વિશ્ર્વ-સ્તરીય પ્રવેશદ્વાર બનાવવાનું.
50 મહિનાથી ઓછા સમયમાં, રૂ. 20,000 કરોડના રોકાણ સાથે, ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એવિએશન પ્રોજેક્ટ તૈયાર છે, જે રેકોર્ડ સમયમાં બનાવવામાં આવ્યો છે. આ ગતિ, સ્કેલ અને નવા ભારતની ભાવનાનો પુરાવો છે,’ એમ તેમણે કહ્યું હતું.