અમેરિકન કોર્ટના આરોપો બાદ ગૌતમ અદાણીએ પહેલીવાર આપ્યો ખુલાસો – કહી દીધી આટલી મોટી વાત
જયપુરઃ અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ શનિવારે પ્રથમ વખત યુએસ અધિકારીઓના 265 મિલિયન ડોલરની લાંચના આરોપો પર પ્રતિક્રિયા આપી હતી. અદાણીએ જયપુરમાં એક એવોર્ડ સમારોહમાં જણાવ્યું હતું કે આ પહેલીવાર નથી જ્યારે અમે આવા પડકારોનો સામનો કર્યો હોય. તેમનું જૂથ તમામ નિયમોનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે અને “અમને તોડી પાડવાના દરેક પ્રયાસો અમને વધુ નક્કર બનાવે છે” તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આજના વિશ્વમાં “નકારાત્મકતા હકીકતો કરતાં વધુ ઝડપથી ફેલાય છે”.
20 નવેમ્બર, 2024 ના રોજ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ એન્ડ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC)એ ગૌતમ અદાણી અને અન્ય વરિષ્ઠ એક્ઝિક્યુટિવ્સ સામે આરોપો દાખલ કર્યા હતા, જેમાં AGELના બોન્ડ ઓફરિંગ દસ્તાવેજોમાં ગેરમાર્ગે દોરનારા નિવેદનોનો આરોપ લગાવ્યો હતો. અદાણી ગ્રીન એનર્જીએ યુએસના આરોપ પછી 600-મિલિયનનો બોન્ડ ઇશ્યૂ રદ કરવો પડ્યો હતો, જેના કારણે અદાણી ગ્રુપના શેરના ભાવમાં અસ્થાયી ઘટાડો થયો હતો.
અદાણીએ આ ગંભીર આરોપોને પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યા હતા અને ભારપૂર્વક જણાવ્યું હતું કે અદાણી જૂથના કોઈપણ સભ્ય પર યુએસ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ (FCPA) ના ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો નથી.
આ પણ વાંચો : અદાણી મુદ્દે વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન, કહ્યું- અમેરિકા તરફથી ભારતને કોઈ સૂચના મળી નહોતી
અદાણીએ જણાવ્યું હતું કે, વર્ષોથી, હું માનતો આવ્યો છું કે આપણે જે અવરોધોનો સામનો કરીએ છીએ તે આપણા આગળ વધવાની કિંમત છે. તમારા સપના જેટલા બોલ્ડ હશે, તેટલી વધારે દુનિયા તમારી તપાસ કરશે. જો કે, આવી તપાસ દરમિયાન તમારે ઉપર આવવાની હિંમત રાખવી પડશે. તમારામાં દુનિયાનો સામનો કરવાની હિંમત હોવી જોઈએ અને તમારા પર વિશ્વાસ હોવો જોઇએ, ભલે દુનિયા તેને જોઈ ન શકે.
નોંધનીય છે કે ગયા વર્ષે યુએસ શોર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચ જૂથે અદાણી જૂથ પર સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટિંગ છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો, જેના કારણે અદાણીએ તેની ફ્લેગશિપ ફર્મ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડમાં રૂ. 20,000 કરોડની ફોલો-ઓન પબ્લિક ઑફર (FPO) રદ કરી હતી. અદાણીએ તમામ આરોપોને ફગાવી દીધા હતા અને હિંડનબર્ગ પર કેસ કરવાની ધમકી આપી હતી, પરંતુ આ આરોપને કારણે ગ્રૂપ કંપનીઓના શેરોમાં ધોવાણ થયું હતું.