નેશનલ

ગુજરાતમાં રાતભર ગરબે રમી શકાશે: હર્ષ સંઘવી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં હવે મોડી રાત સુધી ગરબા રમી શકાશે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ રાત્રે ૧૨ વાગ્યા બાદ પણ ગરબા બંધ ન કરાવવા માટે પોલીસ વડાઓને સૂચના આપી હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગૃહ રાજ્ય પ્રધાને પોલીસ વડાઓને સૂચના આપી હતી.

ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ કે, નવરાત્રિ મા અંબાનો તહેવાર છે. બધા સાથે મળીને ભક્તિ કરી શકે તે માટે, ગુજરાતની સંસ્કૃતિ દેશ અને દુનિયામાં પહોંચી છે ત્યારે નવરાત્રિમાં ગરબાની સમયસર શરૂઆત થાય અને વધુમાં વધુ સમય લોકો ગરબા રમી
શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

સંઘવીએ વધુમાં જણાવ્યુ હતુ કે, નવરાત્રિથી લઈને દિવાળી સુધી પોલીસ કોઈપણ પાથરણાવાળા, નાની દુકાનોવાળાને હટાવે નહીં, બંધ ન કરાવે અને તેઓ વધુમાં વધુ સમય દુકાન ચલાવી શકે, ધંધો કરી શકે તે રીતે લો એન્ડ ઓર્ડર સાચવવા માટે પણ વ્યવસ્થા કરવાની સૂચના આપી દેવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હવે રાતે ૧૨ વાગ્યા બાદ પોલીસ ગરબા બંધ કરાવવા નહિ આવે. સરકારના આ નિર્ણયથી હવે મોડી રાત સુધી ગરબાનો રંગ જામશે. એક સમયે સવારે ૪-૪ વાગ્યા સુધી ગરબાની રમઝટ જામતી હતી. સોસાયટીઓમાં યુવક-યુવતીઓ બિન્ધાસ્ત ગરબા માણતા હતા. પરંતુ સમયાંતરે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગરબાના સમય પર નિયંત્રણ મૂકવામાં આવ્યું હતુ. રાતે ૧૨ વાગ્યા સુધી જ ગરબા રમી શકાશે તેવો નિયમ લાગુ કરાયો હતો. પરંતુ હવે સરકારે જ છૂટછાટ આપી છે. નવરાત્રિના ત્રીજા નોરતે આ નિર્ણય લેવાયો છે, ત્યારે હવે છેક દશેરા સુધી ખેલૈયાઓ છૂટથી ગરબા રમી શકશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button