નેશનલ

ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈ 11 દિવસની એનઆઈડી કસ્ટડીમાં મોકલાયો, ઉકેલાશે અનેક ગુનાઓના ભેદ…

નવી દિલ્હી: કુખ્યાત ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈને પટિયાલા હાઉસ કોર્ટે 11 દિવસની એનઆઈડી કસ્ટડીમાં મોકલી આપ્યો છે. એનઆઈએ સાંજે અમેરિકાથી ભારત લાવવામાં આવેલા અનમોલની ધરપકડ કરી હતી. તેની બાદ તેને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યો હતો. એનઆઈએએ અનમોલ માટે 15 દિવસની કસ્ટડી માંગી હતી, પરંતુ કોર્ટે તેને 11 દિવસની કસ્ટડી મંજૂર કરી હતી.

બાબા સિદ્દીકીની હત્યા સહિત અનેક રાજ્યોમાં ગંભીર આરોપો

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અને તેના નજીકના સહયોગી અનમોલ બિશ્નોઈને અમેરિકામાંથી દેશનિકાલ કર્યા બાદ મંગળવારે ભારત લાવવામાં આવ્યો હતો. દિલ્હી પહોંચતા જ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ અનમોલ બિશ્નોઈની ધરપકડ કરી લીધી હતી. અનમોલ બિશ્નોઈ વિરુદ્ધ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીની હત્યા સહિત અનેક રાજ્યોમાં ગંભીર આરોપો છે.

ગેંગ હાઇ-પ્રોફાઇલ હત્યાઓમાં સંડોવાયેલી

એનઆઈએએ જણાવ્યું હતું કે અનમોલનું નામ દેશભરમાં 11 ગુનાહિત કેસોમાં છે. આ ગેંગ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હી સહિત અનેક રાજ્યોમાં સક્રિય હતી. તેના દસ્તાવેજમાં ગેંગના વિદેશમાં જોડાણોના વ્યાપક નેટવર્કની વિગતો છતી થાય છે. આ ગેંગ સિદ્ધુ મૂસેવાલાની હત્યા સહિત અનેક હાઇ-પ્રોફાઇલ હત્યાઓમાં સંડોવાયેલી છે.

વિદેશમાંથી ચલાવતો હતો આતંકવાદી સિન્ડિકેટ

એનઆઈએની તપાસમાં સામે આવ્યું હતું કે, અનમોલ બિશ્નોઈ વર્ષ 2020થી 2023 દરમિયાન તેના ભાઈ લોરેન્સ બિશ્નોઈ અને આતંકવાદી ગોલ્ડી બ્રારને દેશમાં વિવિધ આતંકવાદી કૃત્યો કરવામાં સક્રિયપણે મદદ કરતો હતો. અનમોલ બિશ્નોઈ અમેરિકામાંથી લોરેન્સ બિશ્નોઈ ગેંગ માટે આતંકવાદી સિન્ડિકેટ ચલાવવા અને આતંકવાદી પ્રવૃત્તિઓ કરવાનું ચાલુ રાખ્યું હતું. જેમાં ગ્રાઉન્ડ-લેવલ ઓપરેટિવ્સનો ઉપયોગ કરતો હતો.

અનમોલ બિશ્નોઈએ ગેંગના શૂટર્સ અને ગ્રાઉન્ડ ઓપરેટિવ્સને આશરો તથા લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડ્યો હતો. તે પરદેશમાં અન્ય ગેંગસ્ટર્સની મદદથી ભારતમાં ખંડણી વસૂલવાના કેસમાં પણ સામેલ હતો. આ જ શ્રેણીમાં તેણે બાબા સિદ્દીકીની હત્યાનું કાવતરૂં ઘડ્યું હતું.

બિશ્નોઈ નકલી પાસપોર્ટનો ઉપયોગ કરી ભારત છોડીને ભાગ્યો હતો

અનમોલ બિશ્નોઈના પ્રત્યાર્પણ માટેની આ કામગીરી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એજન્સી વચ્ચે અનેક મહિનાઓના આયોજન અને સંકલનનું પરિણામ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ 2022માં અનમોલ બિશ્નોઈ નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને ભારત છોડીને ભાગી ગયો હતો. જોકે, બાબા સિદ્દીકીના હત્યાની ઘટનાના બે મહિનામાં અનમોલ બિશ્નોઈને યુએસ ખાતે અટકાયતમાં લેવાયો હતો જેથી તે યુએસની જેલમાં હતો.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button