ગાંધી પરિવારનું એટીએમ છે શાહૂ: ધર્મેન્દ્ર પ્રધાન
ભુવનેશ્ર્વર: કૉંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ શાહૂ ગાંધી પરિવારનું એટીએમ છે તેવો આક્ષેપ કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે કર્યો હતો. શાહૂ પરિવારની માલિકીના ઠેકાણાઓ પરથી આવકવેરા વિભાગે તાજેતરમાં ૩૫૧ કરોડ રૂપિયાની રોકડ રકમ ઝડપી હતી. પ્રધાને કહ્યું કે ‘આ નાણાં ધીરજ શાહૂના નથી, પણ રાહુલ – પ્રિયંકા વાડરા ભાઈબહેનના છે. ગાંધી પરિવારના એટીએમ તરીકે તે કાર્ય કરતા હતા. તેણે કરેલું નિવેદન લોકો પચાવી શકતા નથી.
શુક્રવારે શાહૂએ સ્પષ્ટ કર્યું હતું કે પકડાયેલી તમામ રકમ તેની નથી પણ તેના પરિવારની અને તેના પાર્ટનરની છે. જેવો દાવો કરવામાં આવી રહ્યો છે તેમ આ રકમ સાથે કૉંગ્રેસને કોઈ લેવાદેવા નથી. ઓડીશા કૉંગ્રેસના પ્રમુખ
શશી પટનાયકે પ્રધાનના આક્ષેપને પાયાવિહોણો ગણાવ્યો હતો. પટનાયકે કહ્યું કે ‘તપાસ પૂરી થાય ત્યાં સુધી તેમણે (પ્રધાને) રાહ જોવી જોઈએ. આ સંદર્ભમાં આવકવેરા વિભાગે હજુ કોઈનું નામ આપ્યું નથી.’
વિવિધ રાજ્યોની એકસાઈઝ નીતિ તેના હિત પ્રમાણે શાહૂ બદલાવતો હતો તેવો આક્ષેપ પણ ધર્મેન્દ્ર પ્રધાને કર્યો હતો. આ નાણાં ક્યાંથી આવ્યા છે તેનો જવાબ ધર્મેન્દ્ર પ્રધાને માગ્યો હતો.