ISRO હાંસલ કરશે નવી સિદ્ધિ ; ગગનયાનના એર ડ્રોપ મોડ્યુલનું આવતા અઠવાડિયે પરીક્ષ
નવી દિલ્હી : ભારતીય અંતરીક્ષ સંસોધન સંસ્થાન (ઇસરો) આવતા અઠવાડિયે ગગનયાન મિશન અંતર્ગત વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યું છે. ISRO ગગનયાન મિશનના ક્રૂ મોડ્યુલ માટે સંકલિત એર-ડ્રોપ પરીક્ષણ હાથ ધરશે. ઈસરોના સૂત્રોએ જણાવ્યું કે પહેલા આ પરીક્ષણ આ જ અઠવાડિયે કરવામાં આવનાર હતું પરંતુ હવે તે આવતા સપ્તાહમાં શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં કરવામાં આવશે.
આ પરીક્ષણ મહત્વાકાંક્ષી માનવસહિત અવકાશ ઉડાન માટેની ભારતની તૈયારીઓનો જ એક ભાગ છે. આ પરીક્ષણ હેઠળ, અવકાશયાત્રીઓનાં સુરક્ષિત પુનરાગમન સુનિશ્ચિત કરવા માટે રચાયેલ ક્રૂ મોડ્યુલને ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરથી લગભગ 3.5 થી 4 કિલોમીટરની ઉંચાઈથી બંગાળની ખાડીમાં છોડવામાં આવશે.
આ દરમિયાન, પેરાશૂટ સિસ્ટમની કાર્યક્ષમતા અને ગગનયાન કેપ્સ્યુલની સલામતીનું મૂલ્યાંકન કરવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે ટ્રાયલની અંતિમ તારીખ હાલમાં નક્કી કરવામાં આવી નથી, તે આવનારા સમયના હવામાન પર નિર્ભર રહેશે.