ટોપ ન્યૂઝનેશનલ

ભારતમાં પરિવહન સેવામાં આવશે ક્રાંતિ, હાઇપરલૂપ કોરિડોર, દિલ્હી અને બેંગલુરુમાં પોડ ટેક્સીઓ દોડશે…

નવી દિલ્હી : દેશમાં પરિવહન માળખામાં બદલાવની શરૂઆત થઇ રહી છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ભારતના પરિવહન માળખાને પરિવર્તિત કરવા માટે એક મોટો પ્રોજેક્ટ રજૂ કર્યો છે. મીડિયા એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં, ગડકરીએ ઘણી નવી યોજનાઓ વિશે વાત કરી હતી. જેમાં શહેરોમાં ઇલેક્ટ્રિક રેપિડ માસ ટ્રાન્ઝિટ, હાઇપરલૂપ કોરિડોર અને રોપવે અને દૂરના વિસ્તારોમાં કેબલ-કાર સિસ્ટમનો સમાવેશ થાય છે.

માસ મોબિલિટીમાં ક્રાંતિ આવશે
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, ‘અમે નવીનતાને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. જેમાં માસ મોબિલિટીમાં ક્રાંતિ આવવાની છે. તેમણે ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભવિષ્યને આકાર આપવા માટે ટેકનોલોજી, ઍક્સેસ અને પર્યાવરણીય જવાબદારીના મહત્વ પર ભાર મૂક્યો. માસ મોબિલિટીનો અર્થ છે લોકોને સાથે મુસાફરી કરવા માટે વધુ સારા માધ્યમો પૂરા પાડવા છે.

નેશનલ હાઇવે વધીને 1,46,204 કિલોમીટર થયા
નીતિન ગડકરીએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્ક પર દરરોજ 100 કિલોમીટર હાઇવે બનાવવા અને 25,000 કિલોમીટરના બે-લેન રસ્તાઓને ચાર લેનમાં રૂપાંતરિત કરવાના લક્ષ્યનો પુનરોચ્ચાર કર્યો. તેમણે કહ્યું કે વર્ષ 2013-14માં નેશનલ હાઇવે 91,287 કિલોમીટર હતા. જે હવે વધીને 1,46,204 કિલોમીટર થઈ ગયા છે. જ્યારે વર્ષ 2014માં હાઇ-સ્પીડ કોરિડોર 93 કિલોમીટર હતા. જે હવે વધીને 2,474 કિલોમીટર થઈ ગયા છે.

પર્યાવરણ મંત્રાલય ટ્રી બેંક યોજના પર વિચાર
જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા રસ્તાઓનું નિરીક્ષણ કરવામાં આવશે. હાઇવે પર 20-25 કરોડ વૃક્ષો વાવવાનો પ્રસ્તાવ પણ વિચારણા હેઠળ છે. પર્યાવરણ મંત્રાલય ‘ટ્રી બેંક’ યોજના પર વિચાર કરી રહ્યું છે.

હાઇપરલૂપ કોરિડોર ડેવલોપ કરાશે
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે દિલ્હી અને બેંગલુરુ જેવા શહેરો માટે પોડ ટેક્સી, હાઇપરલૂપ ટ્રાન્સપોર્ટ અને એલિવેટેડ પિલર-આધારિત નેટવર્ક જેવા પાયલોટ પ્રોજેક્ટ બનાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે તે દિવસ દૂર નથી જ્યારે શહેરોમાં કેબલ-સંચાલિત બસો અને વિમાન જેવી સુવિધાઓ સાથે ઇલેક્ટ્રિક ઝડપી માસ ટ્રાન્સપોર્ટ હશે.

જાણો હાઇપરલૂપ કોરિડોર શું છે ?
હાઇપરલૂપ એક ભવિષ્યની પરિવહન ટેકનોલોજી છે. જે વેક્યુમ ટ્યુબમાં 1,000 કિમી પ્રતિ કલાકની ઝડપે મુસાફરોને લઈ જઈ શકશે. જે ભારતમાં લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

કેદારનાથ જેવા તીર્થસ્થળોનો સમાવેશ
આ ઉપરાંત પહાડી વિસ્તાર અને દૂરના વિસ્તારોમાં 360 રોપ વે અને ફ્યુનિક્યુલર રેલ્વે પ્રોજેક્ટ્સ છે. આમાંથી 60 પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. આમાં કેદારનાથ જેવા તીર્થસ્થળોનો સમાવેશ થાય છે. આ સિસ્ટમોનો ઉદ્દેશ્ય ઢાળવાળા વિસ્તારોમાં સલામત અને કાર્યક્ષમ પરિવહન પૂરું પાડવાનો છે. ફ્યુનિક્યુલર રેલ્વે એક પ્રકારની ટ્રેન છે જે ઢાળ પર ચાલે છે.

ઇલેક્ટ્રિક બસોમાં આધુનિક સુવિધાઓ હશે
આ ઉપરાંત નાગપુરમાં 135 સીટર ઇલેક્ટ્રિક બસો માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. આ બસો 120 -125 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. તેમાં પ્રીમિયમ સીટિંગ અને એર કન્ડીશનીંગ જેવી સુવિધાઓ હશે. આ બસો 30 -40 મિનિટમાં ચાર્જ થશે. દિલ્હી-જયપુર અને મુંબઈ-પુણે જેવા ઇન્ટરસિટી રૂટ પર ચલાવતા પહેલા તેનું ટ્રાયલ કરવામાં આવશે.

ગ્રીન ફ્યુલને પ્રોત્સાહન અપાશે
નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ભારતનું ગ્રીન એનર્જી તરફનું સંક્રમણ ઝડપથી થઈ રહ્યું છે. ટાટા, ટોયોટા, હ્યુન્ડાઇ અને મહિન્દ્રા સહિત 11 કંપનીઓએ ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો બનાવવા માટે સંમતિ આપી છે. આ વાહનો ઇથેનોલ અથવા મિથેનોલ મિશ્રણ પર ચાલશે. આ વાહનોનો ઉદ્દેશ્ય અશ્મિભૂત ઇંધણ (પેટ્રોલ, ડીઝલ વગેરે) પર નિર્ભરતા ઘટાડવાનો અને ઉત્સર્જન ઘટાડવાનો છે. ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો એક કરતાં વધુ પ્રકારના ઇંધણ પર ચાલી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button