ટનલમાં ફસાયેલા મજૂરોને બચાવવા માટે હવે ગડકરીએ આપ્યું મોટું નિવેદન
નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં ઉત્તરકાશી અને યમુનોત્રીને જોડવા માટે નિર્માણાધીન ટનલનો એક ભાગ ગયા રવિવારે ભૂસ્ખલનને લીધે તૂટી પડ્યો હતો જેને કારણે કામદારો ટનલની અંદર ફસાયા હતા. આ ટનલનું નિર્માણ કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી ચારધામ પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવી રહ્યું હતું.
ઉત્તરકાશીના સિલ્ક્યારામાં ટનલના કામ દરમિયાન તે તૂટી પડતાં તેમાં 41 જેટલા મજદૂરો ફસાઈ ગયા છે. મજદૂરોના બચાવ કાર્યમાં હજી સુધી રેસ્લ્ક્યુ ટીમને સફળતા મળી નથી. નીતિન ગડકરી અને ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ રવિવારે ટનલ તૂટી પડવાના સ્થળની મુલાકાત લીધી હતી.
ગયા અઠવાડિયે આ વિસ્તારની ટોપોગ્રાફી અને ખડકો-પથ્થરોની સાથે અનેક મુશ્કેલ પડકારોને લીધે મજૂરોને રેસક્યું કરવાના અનેક પ્રયાસો નિષ્ફળ ગયા હતા. ટનલમાં ફસાયેલા મજૂરોને ખોરાક, પાણી અને ઓક્સિજનનો સતત સપ્લાય કરવામાં આવી રહ્યો છે.
ટનલની મુલાકાત લીધા બાદ ગડકરીએ કહ્યું હતું કે કામદારોના જીવ બચાવવો તે અમારી પ્રાથમિકતા છે. જો ઓગર મશીન પ્લાન મુજબ કામ કરશે તો અમે આગામી બેથી અઢી દિવસમાં મજદૂરો સુધી પહોંચી શકાશે.
બીઆરઓ (બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન) દ્વારા ખાસ મશીન લાવવા માટે રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે. તમાથી અનેક મશીનો અહીં આવી ગયા છે. હાલમાં બચાવ કાર્ય માટે બે ઓગર મશીન દ્વારા રેસક્યું મિશન ચલાવવામાં આવી રહ્યું છે.
મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ કહ્યું હતું કે મજૂરોનો જીવ બચાવવા રાજ્ય સરકાર તમામ રેસક્યું એજન્સીઓને દરેક રીતે મદદ કરવા તૈયાર છે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે મજૂરો વહેલી તકે બચી જાય. તેમની સમસ્યાઓ દિવસો પસાર થતાં વધી રહી છે. આ બચાવ કાર્યમાં પીએમઓ (વડા પ્રધાન કચેરી)ના અધિકારીઓના સંપર્કમાં છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.