દેશમાં ઈલેક્ટ્રિક વાહનોની બજારનું કદ ₹ 20 લાખ કરોડનું થશે અને પાંચ કરોડ રોજગારનું સર્જન થશે: ગડકરી
અત્રે યોજાયેલી ‘આઠમી કેટાલિસ્ટ કોન્ફરન્સ ઓન સસ્ટેઈનેબિલિટી ઑફ ઈ-વેહિકલ ઈન્ડસ્ટ્રી-ઈવીએક્સપો 2024’ને સંબોધિત કરતા તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2030 સુધીમાં ઈલેક્ટ્રિક વેહિકલ્સની ફાઈનાન્સ માર્કેટનું કદ પણ વધીને અંદાજે રૂ. ચાર લાખ કરોડ સુધી પહોંચશે.
આગામી વર્ષ 2030 સુધીમાં ભારતીય ઈલેક્ટ્રિક વેહિકલ માર્કેટમાં રૂ. 20 લાખ કરોડની બજારનું કદ પહોંચવાની તેમ જ પાંચ કરોડ રોજગારીનું સર્જન કરવાની ક્ષમતા હોવાનું રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે ખાતાના પ્રધાને જણાવતાં ઉમેર્યું હતું કે દેશમાં થતાં વાયુ પ્રદૂષણમાં ટ્રાન્સપોર્ટ ક્ષેત્રનો હિસ્સો 40 ટકા જેટલો બહોળો છે. આપણે રૂ. 22 લાખ કરોડનાં ઈંધણની આયાત કરીએ છીએ એ પણ એક પડકાર છે અને તેને કારણે દેશમાં ઘણી સમસ્યા પણ સર્જાતી હોય છે.
ગડકરીના મતાનુસાર સરકાર ગ્રીન એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે કારણ કે દેશનાં કુલ પાવર બાસ્કેટમાં સોલારનો હિસ્સો 44 ટકા છે. અમે મુખ્યત્વે સૌપ્રથમ હાઈડ્રો પાવરને અગ્રતાક્રમ આપીએ છીએ ત્યાર બાદ સોલાર પાવર, ગ્રીન પાવર, ખાસ કરીને બાયોમાસમાંથી અને હવે આપણા તમામ માટે સોલાર પાવર ખૂબ મહત્ત્વનો છે.
જોકે, તેમણે દેશ ઈલેક્ટ્રિક બસની અછતનો સામનો કરી રહ્યો હોવાનું જણાવતા ઉમેર્યું હતું કે આપણા દેશમાં એક લાખ ઈલેક્ટ્રિક બસની આવશ્યકતા છે, પરંતુ તેની સામે આપણી ક્ષમતા 50,000ની છે. આથી હું તમને અરજ કરું છું કે તમારા એકમોનું વિસ્તરણ કરવાનો આ યોગ્ય સમય છે. જોકે, તેમણે ઈલક્ટ્રિક વાહનોના ઉત્પાદકોને ગુણવત્તા સાથે બાંધછોડ ન કરવાની પણ તાકીદ કરી હતી.
Also Read – PM Modi એ કુવૈતમાં કહ્યું, ભારતમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકો-સિસ્ટમ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે મે જ્યારે વર્ષ 2014માં ટ્રાન્સપોર્ટ ખાતાના પ્રધાન તરીકે કારોબાર સંભાળ્યો ત્યારે ઑટોમોબાઈલ બજારનું કદ રૂ.સાત લાખ કરોડનું હતું, જ્યારે હવે તેનું કદ રૂ. 22 લાખ કરોડનું થઈ ગયું છે અને ઓટોમોબાઈલની વૈશ્ર્વિક બજારમાં તાજેતરમાં ભારત જાપાનથી આગળ નીકળીને ત્રીજો ક્રમાંક ધરાવે છે.
હાલમાં અમેરિકાની ઑટોમોબાઈલ બજારનું કદ રૂ. 78 લાખ કરોડ, ચીનનું કદ રૂ. 47 લાખ કરોડ અને ભારતનું કદ રૂ. 22 લાખ કરોડની સપાટીએ રહ્યું છે.