G20 સમિટઃ ડિનર પાર્ટી પહેલા જોવા મળી દેશનો વારસાની ઝલક
શું છે વિશ્વની પ્રથમ યુનિવર્સિટીનો ઈતિહાસ
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અહીં સમિટ સ્થળ ભારત મંડપમ ખાતે G20ના નેતાઓ અને પ્રતિનિધિઓ માટે આયોજિત ભવ્ય રાત્રિભોજનમાં તેમનું સ્વાગત કર્યું હતું. રાત્રિભોજન શરૂ થાય તે પહેલાં, તેમણે એક મંચ પર મહેમાનોનું સ્વાગત કર્યું હતું, જેની પૃષ્ઠભૂમિમાં બિહારની નાલંદા યુનિવર્સિટીના ખંડેર અને ભારતના પ્રમુખપદ હેઠળની G20ની થીમ હતી – ‘વસુધૈવ કુટુંબકમ – એક વિશ્વ, એક પરિવાર, એક ભવિષ્ય’. નાલંદા યુનિવર્સિટીના ખંડેરો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ છે. આ યુનિવર્સિટી વિશ્વની સૌથી જૂની યુનિવર્સિટીઓમાંની એક હતી.
વડા પ્રધાન મોદી યુએસ પ્રમુખ જો બાઇડેન અને બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક સહિત કેટલાક જી-20 નેતાઓને યુનિવર્સિટીઓનું મહત્વ સમજાવતા પણ જોવા મળ્યા હતા. બાઇડેન તેનાથી એટલા પ્રભાવિત થયા કે તેમણે ચિત્રને નજીકથી જોયું હતું.
જ્યારે દુનિયાની સૌથી જૂની શૈક્ષણિક સંસ્થાઓની વાત કરવામાં આવે તો નાલંદા યુનિવર્સિટીનું નામ સૌથી પહેલા આવે છે. બિહારની રાજધાની પટનાથી લગભગ 120 કિલોમીટર દક્ષિણ-ઉત્તરમાં, પ્રાચીન નાલંદા યુનિવર્સિટીના અવશેષો આજે પણ જોઈ શકાય છે. ઈતિહાસકારોના મતે નાલંદા પ્રાચીન ભારતમાં ઉચ્ચ શિક્ષણનું સૌથી મહત્વપૂર્ણ અને પ્રખ્યાત કેન્દ્ર હતું. બૌદ્ધકાળ દરમિયાન ભારત શિક્ષણનું કેન્દ્ર હતું. આ યુનિવર્સિટીની સ્થાપના ગુપ્ત શાસક કુમારગુપ્ત I (450-470) દ્વારા કરવામાં આવી હતી.
વિશ્વના ઘણા દેશોમાંથી વિદ્યાર્થીઓ બિહારના નાલંદામાં સ્થિત આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે આવ્યા હતા. કહેવાય છે કે આ યુનિવર્સિટીમાં કોરિયા, જાપાન, ચીન, તિબેટ, ઈન્ડોનેશિયા, ફ્રાન્સ અને તુર્કીથી વિદ્યાર્થીઓ આવતા હતા આજે તે યુનિવર્સિટી ખંડેરમાં ફેરવાઈ ગઈ છે. તક્ષશિલા પછી નાલંદા યુનિવર્સિટીની ચર્ચા થાય છે. આ શિક્ષણ કેન્દ્રમાં હિનાયન બૌદ્ધ ધર્મ તેમજ અન્ય ધર્મો અને ઘણા દેશોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. માત્ર ધર્મ જ નહીં, રાજકારણ, શિક્ષણ, ઇતિહાસ, જ્યોતિષ, વિજ્ઞાન વગેરે પણ અહીં ભણાવવામાં આવતા હતા. આજે તે બિહાર રાજ્યનું મુખ્ય આકર્ષણ છે.
રાષ્ટ્રપતિ મુર્મુએ ભારત મંડપમ ખાતે G20 નેતાઓ, આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ અને અન્ય મહાનુભાવો માટે ઔપચારિક રાત્રિભોજનનું આયોજન કર્યું હતું. નવનિર્મિત ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર અને તેની હરિયાળી ‘લોન’ રાત્રે રંગબેરંગી રોશનીથી ઝળહળતી જોવા મળી હતી અને તેના ફુવારા અને અત્યાધુનિક ઈમારતની સામે મૂકવામાં આવેલી ‘નટરાજ’ની પ્રતિમાએ સ્થળની ભવ્યતામાં વધારો કર્યો હતો.
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાને બિરદાવતા જોવા મળ્યા હતા. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)ના મેનેજિંગ ડિરેક્ટર અને પ્રમુખ ક્રિસ્ટાલિના જ્યોર્જિવા ભારતીય પરંપરાગત ડ્રેસ સલવાર કુર્તામાં જોવા મળ્યા હતા. વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગા અને તેમના પત્ની રિતુ બંગા અને બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના પ્રગતિ મેદાન પર નવા બનેલા કન્વેન્શન સેન્ટર ખાતે પ્રથમ આવનારાઓમાં સામેલ હતા. G20 સમિટ શનિવારે ભારત મંડપમ ખાતે શરૂ થઈ હતી અને રવિવારે સમાપ્ત થશે.