
નવી દિલ્હીઃ દિલ્હીમાં જી-20ની સમિટ માટે મંચ તૈયાર છે. અમેરિકી પ્રમુખ જો બાઇડેન ભારત આવવા રવાના થઇ ગયા છે. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પણ ભારત આવી રહ્યા છે.
આ દરમિયાન મોટા સમાચાર જાણવા મળી રહ્યા છે કે પીએમ મોદી સહિત આ બંને નેતાઓ અને G20ના કેટલાક અન્ય દેશો વચ્ચે રેલવેની ડીલ થઇ શકે છે. આ ડીલ એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે ચીન મધ્ય પૂર્વમાં તેની છાપ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવનો સામનો કરવા માટે આ ડીલને કોન્ફરન્સ દરમિયાન અથવા તેની બહારની બેઠકમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે.
અમેરિકામાં એવી જોરદાર ચર્ચા છે કે જો આ ડીલ ફાઈનલ થઈ જશે તો બાઇડેન એડમિનિસ્ટ્રેશન માટે મિડલ ઈસ્ટમાં પોતાની પોલિસી લાગુ કરવામાં સરળતા રહેશે. ઇઝરાયલ અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધોને સુધારવાનું સરળ બનશે. અને અમેરિકા એક તીર વડે બે નિશાન મારી શકશે.
ચીન ઝડપથી મધ્ય પૂર્વના દેશોમાં પોતાનો પગપેસારો કરી રહ્યું છે. બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ દ્વારા ચીને વિશ્વભરના દેશોમાં રસ્તા માર્ગે પ્રવેશ કર્યો છે. ચીનનો સામનો કરવા ચીન વિરોધી દેશો રેલ ડીલ પર હસ્તાક્ષર કરવાની યોજના ધરાવે છે. આ પ્રોજેક્ટ હેઠળ આરબ દેશો એશિયાઈ ક્ષેત્ર લેવન્તથી ઈઝરાયલ થઈને અરબી સમુદ્ર થઈને ભારત પહોંચશે.
G20 સિવાય, એક જૂથ I2U2 એટલે કે ભારત, ઇઝરાયેલ, સંયુક્ત આરબ અમીરાત અને યુનાઇટેડ સ્ટેટ્સ છે. છેલ્લા 18 મહિનામાં ગલ્ફ અને અન્ય દેશોને જોડવા માટે રેલ પ્રોજેક્ટનો મુદ્દો આ સમૂહની બેઠકમાં ચર્ચવામાં આવ્યો હતો. ચીન ખાડી દેશોમાં પોતાની હાજરી વધારી ભારત અને અમેરિકા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. તેથી જ બાઇડેન મંત્રાલય જી-20ની બેઠકમાં રેલવે ડીલને અંતિમ સ્વરૂપ આપવા માગે છે.