ભારત મંડપમમાં ફ્લાવર પોટ્સ પછી ફુવારા બન્યા ચોરોના ટાર્ગેટ
રૂ. 10 લાખથી વધુની કિંમતની નોઝલની ચોરી
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં ફ્લાવર પોટ્સ બાદ હવે ફુવારાઓ ચોરોના નિશાન પર આવ્યા છે. મળતી માહિતી અનુસાર, ભારત મંડપમની બહાર અને દિલ્હી ગેટ પર નવા સ્થાપિત ફુવારાઓમાંથી 10 લાખ રૂપિયાથી વધુની કિંમતની નોઝલની ચોરી થઈ છે. આ ફુવારાઓ G20 સમિટ પહેલા સુશોભન માટે લગાવવામાં આવ્યા હતા.
મેન્ટેનન્સનું કામ કરતી એજન્સીએ આ ચોરી અંગે પોલીસમાં ફરિયાદ કરી છે. પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સ્ટેનલેસ સ્ટીલના એક નોઝલની કિંમત 4,000 રૂપિયા છે.
G-20 સમિટ પહેલા મધ્ય દિલ્હી વિસ્તારમાં કેટલાક ફુવારા સ્થાપિત કરવામાં આવ્યા હતા. PWDના એક અધિકારીએ જણાવ્યું હતું કે ભારત મંડપમની બહાર ભૈરોન માર્ગ પરના ફુવારામાંથી અને દિલ્હી ગેટ પરના ફુવારામાંથી નોઝલની ચોરી થઈ છે. આ ચોરી G-20 સમિટના સમાપન બાદ થઈ હતી.
આ વિસ્તારોમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા દ્વારા નોઝલની ચોરીની કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કેદ થઈ છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા, PWDના અધિકારીએ જણાવ્યું હતું કે ભારત મંડપમના માત્ર ગેટ 6 અને 7 પાસે જ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ભૈરોન માર્ગ અને દિલ્હી ગેટ પાસેના ફુવારાઓ નજીક સીસીટીવી ગોઠવવામાં આવ્યા નથી. આવા સંજોગોમાં ચોરોને પકડવાની કામગીરી સફળતાપૂર્વક કેવી રીતે પાર પાડવામાં આવશે એની શંકા છે.