G-20માં છવાઇ ગઇ ભારતની સાડી
નવી દિલ્હીઃ શનિવારે રાત્રે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આયોજિત G-20 ડિનરમાં જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાના પત્ની યુકો કિશિદાથી લઈને IMFના વડા ક્રિસ્ટાલિના જ્યોર્જિવા સુધી, ઘણા ટોચના વિદેશી મહાનુભાવોએ પરંપરાગત ભારતીય પોશાક પહેર્યો હતો. આ ખાસ પ્રસંગ માટે મહાનુભાવો કેઝ્યુઅલ વસ્ત્રોમાં સજ્જ હતા. ડિનરમાં મહાનુભાવોએ ભારતીય ફેશનને અપનાવવાનું પસંદ કર્યું હતું.
યુનાઈટેડ નેશન્સ સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ ભારતીય ફેશનમાં સજ્જ થઇ આવ્યા હતા. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)ના મેનેજિંગ ડિરેક્ટર અને પ્રમુખ ક્રિસ્ટાલિના જ્યોર્જિવા ભારતીય પરંપરાગત ડ્રેસ સલવાર કુર્તામાં જોવા મળ્યા હતા. જાંબલી રંગના કુર્તા સાથે તેમણે ગોલ્ડન દુપટ્ટાનું મેચિંગ કર્યું હતું. ભારતીય વસ્ત્રોમાં તેઓ ઘણા સુંદર લાગી રહ્યા હતા.
જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદાની પત્ની યુકો કિશિદાએ સુંદર લીલા રંગની સાડી પહેરી હતી. તેમણે સાડીના પિંક કલરના પાલવને મેચિંગ બ્લાઉઝ પહેર્યું હતું. પરંપરાગત ભારતીય વસ્ત્રોમાં તેમની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠી હતી.
વર્લ્ડ બેંકના ચેરમેન અજય બગ્ગાના પત્ની પરંપરાગત ભારતીય વસ્ત્રોમાં જોવા મળ્યા હતા. પ્રસંગને અનુરૂપ ગોલ્ડન બોર્ડરની સાડી અને મેચિંગ ગોલ્ડન બ્લાઉઝમાં તેમનો દેખાવ ખીલી ઉઠ્યો હતો.
મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર કાળા બંધગળાના સૂટમાં ડિનર માટે આવ્યા હતા. તેમના પત્ની કોબિતા જુગનાથ વાઇટ કલરની સાડી અને મોટી બોર્ડરવાળા ફૂલ સ્લીવના બ્લાઉઝમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.
બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના મોતીના હાર સાથે સાડીમાં દેખાયા હતા. તેમના પરિધાનમાં બાંગ્લાદેશી ઝલક પણ જોવા મળી હતી.
બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકની પત્ની અક્ષતા મૂર્તિએ તેમના આધુનિક પોશાકમાં પરંપરાગત છાપ છોડી દીધી હતી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અહીં સમિટ સ્થળ ભારત મંડપમ ખાતે G20 નેતાઓ અને પ્રતિનિધિઓ માટે આયોજિત ભવ્ય રાત્રિભોજનમાં તેમનું સ્વાગત કર્યું હતું. રાત્રિભોજન શરૂ થાય તે પહેલાં, તેમણે મહેમાનોનું જે મંચ પર સ્વાગત કર્યું, તેની પૃષ્ઠભૂમિમાં બિહારમાં નાલંદા યુનિવર્સિટીના ખંડેરની ઝલક અને ભારતના પ્રમુખપદ હેઠળની G-20ની થીમ – ‘વસુધૈવ કુટુંબકમ – એક વિશ્વ, એક પરિવાર, એક ભવિષ્ય’ હતી. નાલંદા યુનિવર્સિટીના ખંડેરો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ છે.