જી-૨૦ શિખર પરિષદ: દિલ્હીમાં ટ્રાફિકના નિયમો અમલમાં મુક્ાયા, લોકોને મેટ્રોનો ઉપયોગ કરવા વિનંતી
નવી દિલ્હી: જી-૨૦ શિખર પરિષદના સ્થળ તેમ જ તેમાં ભાગ લેવા આવેલા વિવિધ દેશના પ્રતિનિધિઓ જે હૉટેલ વિસ્તારમાં રહે છે ત્યાં શુક્રવારે સવારથી જ ટ્રાફિકના કડક નિયમો અમલમાં મૂકી દેવામાં આવ્યા છે. જી-૨૦ શિખર પરિષદને કારણે એ વિસ્તારમાં દવાને બાદ કરતા અન્ય તમામ વસ્તુઓની ડિલિવરી સેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
નવી દિલ્હી વિસ્તારને શુક્રવારે વહેલી સવારના પાંચ વાગ્યાથી રવિવારના રાત્રે ૧૧:૫૯ સુધી કંટ્રોલ્ડ ઝોન-૧ જાહેર કરી દેવામાં આવ્યો છે. પોલીસે લોકોને સાઈક્લિગં, વૉકિંગ તેમ જ પિકનિક માટે ઈન્ડિયા ગૅટની મુલાકાત ન લેવાની અને કર્તવ્ય પથનો ઉપયોગ ન કરવાની વિનંતી કરી છે.
નવી દિલ્હી વિસ્તારમાં ટ્રાફિકનું નિયમન કરવામાં આવ્યું છે, પરંતુ ઍમ્બ્યુલન્સ, એ વિસ્તારમાં રહેતા સ્થાનિક ટૂરિસ્ટોને યોગ્ય ઓળખપત્ર દેખાડીને પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવી છે. દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાની વિનંતીને માન આપીને દિલ્હી મેટ્રોએ ૮, ૯ અને ૧૦ સપ્ટેમ્બરે નૅટવર્કની તમામ લાઈન પર ટર્મિનલ સ્ટેશનેથી સવારે ચાર વાગ્યે સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
જી-૨૦ શિખર પરિષદ દરમિયાન સુરક્ષા પર ચાંપતી નજર રાખી શકાય તે માટે ડૉગ સ્ક્વોડ સાથે ૫૦,૦૦૦ કરતા પણ પોલીસ અધિકારીઓને ગોઠવી દેવામાં આવ્યા છે. પચીસ ઑગસ્ટે બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકામાં દિલ્હી પોલીસે માલસામાન લઈ જતા વાહનો, બસો, ઑટોરિક્ષા અને ટૅક્સિઓની અવરજવર માટેના નિયમો જાહેર કરી દીધા હતા.
વાહનવ્યવહારનું સરળતાથી નિયમન થઈ શકે તે માટે લોકોને મેટ્રો રેલસેવાનો વધુમાં વધુ ઉપયોગ કરવાની વિનંતી કરવામાં આવી છે.
સ્પે. કમિશનર ઑફ પોલીસ (ટ્રાફિક) એસ. એસ. યાદવે કહ્યું હતું કે ઈન્ડિયા ગૅટ અને કર્તવ્ય પથ કંટ્રોલ્ડ ઝોનમાં હોવાને કારણે જી-૨૦ શિખર પરિષદ દરમિયાન લોકોને સાઈક્લિગં, વૉકિંગ તેમ જ પિકનિક માટે એ વિસ્તારમાં ન જવાની વિનંતી કરવામાં આવી છે. ટપાલ, મૅડિકલ તેમ જ પેથોલોજિકલ લૅબોરેટરી માટે નમૂના એકત્ર કરવા જેવી આવશ્યક સેવાઓ સંપૂર્ણ દિલ્હીમાં ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવી છે.
રિંગ રોડ (મહાત્મા ગાંધી રોડ)ની અંદરના સંપૂર્ણ વિસ્તારને ‘રેગ્યુલેટેડ ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે. મતલબ કે એ વિસ્તારમાં રહેતા લોકો, સત્તાવાર અને ઈમરજન્સી વાહનો તેમ જ ઍરપોર્ટ, જૂના અને નવી દિલ્હી રેલવે સ્ટેશને જતા વાહનોને રિંગ રોડ સિવાયના રસ્તાઓ પર અવરજવર કરવાની પરવાનગી આપવામાં આવી છે.
હાઉસકિપિંગ, કેટરિંગ અને હૉટેલ તેમ જ હૉસ્પિટલના વૅસ્ટ મેનેજમેન્ટ વાહનોને પણ યોગ્ય ચકાસણી બાદ અવરજવર કરવાની પરવાનગી આપવામાં આવશે. અંદાજે ૧૮ જેટલા રસ્તા અને જંક્શનોેને રવિવારે બપોરે બે વાગ્યા સુધી ‘કંટ્રોલ્ડ ઝોન-ટૂ’ લેખવામાં આવશે. પોલીસોને પણ નિયમન હેઠળના તેમ જ કંટ્રોલ્ડ ઝોન વિસ્તારમાં પ્રવાસ કરવાનું ટાળવાની વિનંતી કરવામાં આવી છે. આનિવાર્ય સંજોગોમાં તેઓ યાદીમાં જણાવવામાં આવેલા વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરી શકશે. સુપ્રીમ કોર્ટ, પટેલ ચોક અને આર. કે. માર્ગ મેટ્રો સ્ટેશનસ્થિત પાર્કિંગ સુવિધાઓ પણ ૮ સપ્ટેમ્બરે સાંજે ચાર વાગ્યાથી ૧૧ સપ્ટેમ્બર બપોર સુધી બંધ કરી દેવામાં આવી છે, એમ દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (ડીએમઆરસી)એ કહ્યું હતું. (એજન્સી) ઉ