ભારતના સાર્વભૌમત્વ સામે પડકાર ઊભો કરવા ચીનથી ભંડોળ મોકલાયું હતું: દિલ્હી પોલીસ
નવી દિલ્હી: ભારતના સાર્વભૌમત્વ સામે પડકાર ઊભો કરવા અને દેશ સામે અસંતોષ ભડકાવવા ચીનથી મોટા પ્રમાણમાં ભંડોળ મોકલવામાં આવ્યું હતું, તેવુ દિલ્હી પોલીસની ઓનલાઈન ન્યૂઝપોર્ટલ ન્યૂઝકલીક સામેની એફઆઈઆરમાં કહેવામાં આવ્યું હતું. ન્યૂઝકલીક સામે ત્રાસવાદી વિરોધી કાયદો યુએપીએ (અનલોફૂલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ), હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી દરમ્યાન ચૂંટણી પ્રક્રિયા ખોરવવાનું ષડ્યંત્ર ન્યૂઝકલીકના તંત્રી પ્રબીર પૂરકાયસ્થે પીપલ્સ એલાયન્સ ફોર ડેમોક્રેસી એન્ડ સેક્યુલરિઝમ (પીએડીએસ) સાથે મળીને ઘડ્યું હતું, તેવુ પણ એફઆઈઆરમાં કહેવામાં આવ્યું હતું. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાના એક સક્રિય સભ્ય નેવિલ રોપ સિંઘમે વિદેશી ભંડોળ ગેરકાયદેસર રીતે મોકલ્યું હતું.
એફઆઈઆરમાં કહેવામાં આવ્યુ છે કે ચીનની ટોલિકોમ કંપનીઓએ કાવતરાના ભાગરૂપે ભારતમાં ગેરકાયદેસર રીતે વિદેશી ભંડોળ મોકલવા પીએમએલએ, એફઈએમએનું ઉલ્લંઘન કરી હજારો કંપની ઊભી કરી હતી.
કોવિડ-૧૯ રોગચાળા પર નિયંત્રણ મેળવવા ભારતીય સરકારના પ્રયત્નોની ટીકા કરવા ખોટી વાતો ફેલાવવામાં આવી હતી. તેવું દિલ્હી પોલીસે કહ્યું હતું પૂર્વકાયસ્થ અને ન્યૂઝકલીકના કર્મચારી અમિત ચક્રવર્તીની દિલ્હી પોલીસે મંગળવારે ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા કુલ ૪૬ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. એફઆઈઆરમાં જેમના નામ છે તેમના ઠેકાણા પર દિલ્હીમાં અને અન્ય રાજ્યો સહિત કુલ ૮૮ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા.