ભાગેડુ વિજય માલ્યાનો નવો દાવોઃ ઈન્ડિયન બેંકોએ લોન કરતા બમણી રકમની કરી વસૂલાત

નવી દિલ્હીઃ ભાગેડુ વિજય માલ્યાએ દાવો કર્યો હતો કે ભારતીય બેન્કો પાસે તેની 14,131.6 કરોડ રૂપિયાની સંપત્તિ છે, જે જાહેર ક્ષેત્રની બેન્કોના તેના દેવા કરતા બમણાથી વધુ છે. માલ્યાએ નાણા મંત્રાલયના વાર્ષિક રિપોર્ટ 2024-25માં ઇરાદાપૂર્વકના ડિફોલ્ટર સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની વસૂલાતની વિગતોનો ઉલ્લેખ કરતા કહ્યું કે બેન્કોએ ડેટ રિકવરી ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવેલા 6,203 કરોડ રૂપિયાની સામે 14,131.8 કરોડ રૂપિયા અગાઉથી જ વસૂલ્યા છે.
માલ્યાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર લખ્યું હતું કે ડેટ રિકવરી ટ્રિબ્યુનલના નિર્ણય મુજબ, 6,203 કરોડ રૂપિયાના દેવા સામે 14,131.8 કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે. તેનો પુરાવો મારી યુકે (યુનાઇટેડ કિંગડમ) નાદારી રદ કરવાની અરજીમાં છે. મને આશ્ચર્ય થાય છે કે બેન્કો યુકે કોર્ટમાં શું કહેશે.
માલ્યા અને 10 અન્ય ભાગેડુ આર્થિક અપરાધીઓની વિગતો શેર કરતા અહેવાલમાં જણાવાયું છે કે 36 વ્યક્તિઓના સંદર્ભમાં કુલ 44 પ્રત્યાર્પણ વિનંતીઓ વિવિધ દેશોમાં મોકલવામાં આવી છે. મંત્રાલયના વાર્ષિક અહેવાલ મુજબ, માલ્યાના કેસમાં જપ્ત કરાયેલી 14,131.6 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર ક્ષેત્રની બેન્કોને સોંપવામાં આવી છે.
અહેવાલમાં જણાવાયું છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના પ્રયાસોના પરિણામે વિવિધ ભાગેડુ આર્થિક ગુનેગારો અને અન્ય આરોપીઓના પ્રત્યાર્પણમાં વિદેશની સક્ષમ અદાલતો સમક્ષ સફળ પ્રતિનિધિત્વ થયું છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે “આ સંદર્ભમાં એ ઉલ્લેખ કરવો યોગ્ય છે કે યુકેની કોર્ટે અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓ અને ભારતીય દૂતાવાસ સાથે સંકલનમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અસરકારક રજૂઆત બાદ કેટલાક મુખ્ય આરોપીઓને ભારત પ્રત્યાર્પણ કરવાની મંજૂરી આપી છે.”
ડેટ રિકવરી ટ્રિબ્યુનલની બેંગલુરુ બેન્ચે 2017માં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના નેતૃત્વ હેઠળના બેન્કોના કન્સોર્ટિયમને કિંગફિશર એરલાઇન્સ કેસમાં સમસ્યાઓનો સામનો કરી રહેલા માલ્યા અને તેમની કંપનીઓ પાસેથી 11.5 ટકાના વાર્ષિક વ્યાજ દરે 6,203 કરોડ રૂપિયા વસૂલવાની પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો હતો.
માર્ચ 2016માં માલ્યા બ્રિટન ભાગી ગયો હતો. ઘણી બેન્કો દ્વારા ભૂતપૂર્વ કિંગફિશર એરલાઇન્સને આપવામાં આવેલી 9,000 કરોડ રૂપિયાની લોનના ડિફોલ્ટના સંબંધમાં તે ભારતમાં વોન્ટેડ છે. ભારત બ્રિટન પાસેથી માલ્યાના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું છે.
આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી વધાર્યા પછી સરકારે એલપીજી સિલિન્ડરમાં કર્યો વધારો