નેશનલ

FSSAIનો ‘હેલ્થ ડ્રિંક’ અને ‘એનર્જી ડ્રિંક’ અંગે મહત્વનો આદેશ, ઈકોમર્સ કંપનીઓને આપી સુચના

છેલ્લા ઘણા સમયથી માર્કેટમાં એનર્જી ડ્રીંક(energy drinks)નું વેચાણ વધી રહ્યું છે, જેને કારણે માર્કેટમાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ સાથે સ્થાનિક બ્રાન્ડ્સના એનર્જી ડ્રિન્ક્સ પણ જોવા મળી રહ્યા છે. એવામાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ તમામ ઈકોમર્સ કંપનીઓને ડેરી-બેઝ્ડ, સેરીઅલ(અનાજ)-બેઝ્ડ અથવા મોલ્ટ-બેઝ્ડ પીણાંને ‘હેલ્થ ડ્રિંક’ અથવા ‘એનર્જી ડ્રિંક’ તરીકે ન દર્શાવવા સૂચના આપી છે.

અહેવાલ મુજબ દેશના ફૂડ લો મુજબ ‘હેલ્થ ડ્રિંક’ શબ્દની વ્યાખ્યા સ્પષ્ટ કરવામાં આવી નથી. કાયદા હેઠળ ‘એનર્જી ડ્રિંક’ કાર્બોરેટેડ અને નોન-કાર્બોનેટેડ બંને પ્રકારના ફ્લેવર્ડ વોટર બેઝ્ડ પીણાં તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

FSSAIએ ચેતવણી વ્યક્ત કરી હતી કે ખોટા શબ્દનો ઉપયોગ ગ્રાહકોને ગેરમાર્ગે દોરી શકે છે. તેથી, FSSAIએ તમામ ઈકોમર્સ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ (FBOs) ને ‘હેલ્થ ડ્રિંક્સ/એનર્જી ડ્રિંક્સ’ ની શ્રેણીઓમાંથી આવા પીણાંને દૂર કરવાની સલાહ આપી છે.

FSSAI એ સ્પષ્ટતા કરી કે ‘હેલ્થ ડ્રિંક’ શબ્દ FSS એક્ટ 2006 અથવા ફૂડ ઇન્ડસ્ટ્રીના રૂલ્સ અને રેગ્યુલેશન હેઠળ વ્યાખ્યાયિત અથવા પ્રમાણિત કરવામાં આવ્યા નથી. વધુમાં, ‘એનર્જી ડ્રિંક્સ’ શબ્દ માત્ર કાર્બોનેટેડ અને નોન-કાર્બોનેટેડ વોટર-બેઝ્ડ ફ્લેવર્ડ ડ્રિંક્સ જેવા ઉત્પાદનો પર ઉપયોગ માટે જ માન્ય છે.

FSSAI એ એક નિવેદનમાં કહ્યું કે,”આ કાર્યવાહીનો ઉદ્દેશ્ય ઉત્પાદનોની પ્રકૃતિ અને ગુણધર્મોને લગતી સ્પષ્ટતા અને પારદર્શિતા વધારવાનો છે, જેથી સુનિશ્ચિત થશે કે ગ્રાહકોને ભ્રામક માહિતીને બદલે સાચી મળે અને એ પ્રમાણે પ્રોડક્ટની પસંદગી કરી શકે.”

પેપ્સિકો, કોકા-કોલા અને હેલ જેવી કંપનીઓ રેડ બુલ અને મોન્સ્ટર જેવા વૈશ્વિક ઇન્ડસ્ટ્રી બ્રાંડની કિંમતના લગભગ એક ચતુર્થાંશ ભાવે એનર્જી ડ્રિંક વેચી રહી છે. આ કંપનીઓએ કરિયાણાની દુકાનો પણ તેમના એનર્જી ડ્રિંક પ્રોડક્ટ્સ વ્યાપકપણે ઉપલબ્ધ કરાવ્યા છે. એક અહેવાલ મુજબ ભારતમાં એનર્જી ડ્રિંકનું વેચાણ વાર્ષિક 50-55%ના દરે વધી રહ્યું છે.

સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ એનર્જી ડ્રિંકના વધી રહેલા ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને યુવાનોમાં વધી રહેલા એનર્જી ડ્રિંકના સેવનથી તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઇ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button