નેશનલવેપાર

ઘટ્યા મથાળેથી સોનામાં રૂ. 152નો અને ચાંદીમાં રૂ. 1389નો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર ગઈકાલે સોનાના ભાવમાં એક ટકા જેટલો ઘટાડો આવ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ભાવમાં સાંકડી વધઘટે ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીના ભાવમાં ધીમો સુધારો આવ્યો હતો, જ્યારે સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી નીકળતાં ભાવમાં કિલોદીઠ રૂ. 1389નો સુધારો આવ્યો હતો અને સોનામાં ઘટ્યા મથાળેથી 10 ગ્રામદીઠ રૂ. 152નો સુધારો આવ્યો હતો.જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયામાં ઘટ્યા મથાળેથી ચાર પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતર ઘટવાથી ભાવમાં સુધારો મર્યાદિત રહ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ખાસ કરીને 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 1389 વધીને રૂ. 90,000ની સપાટીએ પહોંચ્યા હતા. તેમ જ સોનામાં જ્વેલરી ઉત્પાદકો, સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી અને રિટેલ સ્તરની લગ્નસરાની માગને ટેકે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 152 વધીને 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 76,154 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 76,460ના મથાળે રહ્યા હતા.

દરમિયાન ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે સોનાના ભાવમાં એક ટકા જેટલો ઘટાડો આવ્યા બાદ આજે લંડન ખાતે હાજરમાં ભાવ સાંકડી વધઘટે અથડાઈને આૈંસદીઠ 2638.73 ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.1 ટકો વધીને 2661.10 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા,જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.2 ટકા વધીને આૈંસદીઠ 30.55 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

એકંદરે આજે રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનાર જોબ ઓપનિંગ ડેટા, આવતીકાલે જાહેર થનારા એડીપી એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ અને શુક્રવારે જાહેર થનારા પેરોલ ડેટા પર સ્થિર થઈ હોવાનું કેપિટલ ડૉટ કૉમ ના ફાઈનાન્સિયલ માર્કેટના વિશ્લેષક ક્યેલ રોડ્ડાએ જણાવતાં ઉમેર્યું હતું કે ખાસ કરીને આવતા શુક્રવારે જાહેર થનારા જોબ ડેટાની અસર ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં કપાતના નિર્ણય પર જોવા મળશે.

જોકે, ફેડ ગવર્નર ક્રિસ્ટોફર વૉલરે ગઈકાલે જણાવ્યું હતું કે ફુગાવો બે ટકા સુધી ઘટે તેવી ધારણા મૂકાઈ રહી હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા નકારી ન શકાય. વધુમાં ગઈકાલે ફેડ બૅન્ક ઑફ ન્યૂ યોર્કનાં પ્રેસિડૅન્ટ જ્હોન વિલિયમ્સે આગામી સમયગાળામાં ફેડરલ રિઝર્વ હાલની સમતુલિત અથવા તો ન્યૂટ્રલ નીતિ જાળવી રાખે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. આમ આ નિવદેનો પશ્ચાત્‌‍ સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ટ્રેડરો આગામી નીતિવિષયક બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી 75 ટકા શક્યતા ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા હતા.

Also Read – સિગારેટ, તમાકુ, કોલ્ડડ્રિન્ક્સ પર 35% GST લદાશે! GoMનો આ ફેરફારોનો પ્રસ્તાવ રજુ કર્યો

આમ આગામી 17-18 ડિસેમ્બરની નીતિવિષયક બેઠકમાં ફેડરલ રિઝર્વ 25 બેસિસ પૉઈન્ટના કાપની શક્યતા બળવત્તર બની છે, પરંતુ ત્યાર બાદ વર્ષ 2025માં કેવું વલણ અપનાવવામાં આવશે તે અંગે ટ્રેડરો રોકાણકારો અવઢવમાં મૂકાયા છે. તેમ છતાં આગામી સમયગાળામાં ખાસ કરીને ઈઝરાયલ અને લેબેનોન વચ્ચે યુદ્ધ વિરામ બાદ પણ પરિસ્થિતિ વણસેલી હોવાથી સોનાને સલામતી માટેની માગનો ટેકો મળતો રહેશે, એવું બજાર વર્તુળોનું મંતવ્ય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button