ગર્ભપાતને કાયદેસર માન્યતા આપનાર ફ્રાન્સ વિશ્ર્વનો પ્રથમ દેશ
પૅરિસ: ગર્ભપાતના અધિકારને બંધારણમાં સ્થાન આપી તેને કાયદેસર માન્યતા આપનાર ફ્રાન્સ વિશ્ર્વનો પ્રથમ દેશ બન્યો છે. મહિલાઓને ગર્ભપાત કરાવવાની સ્વતંત્રતાનો અધિકાર આપતા પ્રસ્તાવની તરફેણમાં સાંસદોએ મતદાન કરી વર્ષ ૧૯૫૮માં તૈયાર કરાયેલા દેશના બંધારણમાં સુધારો કર્યો હતો. ૭૮૦ વિરુદ્ધ ૭૨ મતથી આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. ફ્રાન્સના પ્રમુખ ઍમ્મામ્યુઅલ મૅક્રોને આ નિર્ણયને ફ્રાન્સનું ગૌરવ લેખાવ્યો હતો.
આ નિર્ણયે સમગ્ર વિશ્ર્વને સંદેશ પાઠવ્યો હોવાનું તેમણે કહ્યું હતું. જોકે, ગર્ભપાતવિરોધી જૂથે આ ફેરફારનો સખત વિરોધ કર્યો હતો.
ફ્રાન્સમાં વર્ષ ૧૯૭૫થી ગર્ભપાત કાયદેસર છે, પરંતુ સર્વે દર્શાવે છે કે ૮૫ ટકા લોકો આ બંધારણીય અધિકારની રક્ષા કરવાની તરફેણમાં હતા. ગર્ભપાતના અધિકારને કાયદેસર માન્યતા આપનાર ફ્રાન્સ વિશ્ર્વનો પ્રથમ દેશ બન્યો છે. અન્ય દેશો હજુ જ્યારે બંધારણમાં આ અધિકારનો ઉમેરો કરી રહ્યા છે ત્યારે ફ્રાન્સ મહિલાઓના આ અધિકારને કાયદેસર માન્યતા આપનાર વિશ્ર્વનો પ્રથમ દેશ બન્યો છે.
આધુનિક ફ્રાન્સના મૂળ બંધારણમાં પચીસમો સુધારો છે. મતદાન બાદ આ નિર્ણયની ઉજવણીમાં ‘માયા બૉડી, માય ચૉઈસ’ના સંદેશા સાથે ઍફિલ ટાવર પર રોશની કરવામાં આવી હતી.
મતદાન અગાઉ વડા પ્રધાન ગૅબ્રિયલ અટ્ટલે સૅનેટને કહ્યું હતું કે ગર્ભપાતનો અધિકાર જોખમમાં અને નિર્ણાયકોની દયા પર છે. અમે તમામ મહિલાઓને સંદેશો આપવા માગીએ છીએ કે તમારું શરીર તમારી માલિકીનું છે અને અન્ય કોઈ એ અંગે નિર્ણય ન લઈ શકે.
જમણેરીઓનો વિરોધ સૅનેટમાં ન ટકી શક્યો ત્યારે તેમણે બંધારણનો ચૂંટણીલક્ષી ઉપયોગ કરવાનો મૅક્રૉન પર આક્ષેપ કર્યો હતો. વર્ષ ૧૯૭૫થી આ કાયદાને નવ વખત અપડૅટ કરવામાં આવ્યો હતો, પરંતુ દરેક વખતે તેનો આશય અમલને લંબાવવાનો હતો. બંધારણમાં કરવામાં આવેલા આ ફેરફારને બહુમતી લોકોએ આવકાર્યો હતો. (એજન્સી)