લૉર્ડ્સના ગ્રાઉન્ડ પર આવી ચડ્યું શિયાળ!

લંડનઃ તાજેતરમાં ભારતના પુરુષો અને મહિલાઓની ટીમ ઇંગ્લૅન્ડના જે ઐતિહાસિક મેદાન પર રસાકસીભરી મૅચો રમી એ લૉર્ડ્સ (LORD’S)ના મેદાન પર મંગળવારે આશ્ચર્યજનક ઘટના બની હતી. સામાન્ય રીતે શ્વાન ક્રિકેટના મેદાન પર દોડી આવ્યો હોવાની ઘટના ઘણી વાર બની ગઈ છે. શ્રીલંકામાં મૅચ દરમ્યાન સાપ આવી જતાં રમત બંધ કરવી પડી હોય એવું કેટલીક વાર બની ગયું છે. સાઉથ આફ્રિકામાં સામાન્ય રીતે મધમાખીનું ઝૂંડ આવી જતું હોય છે. જોકે લૉર્ડ્સના ગ્રાઉન્ડ પર પાંચમી ઑગસ્ટે ધ હન્ડ્રેડ ટૂર્નામેન્ટની પહેલી જ મૅચ દરમ્યાન શિયાળ (Fox) દોડી આવ્યું હતું.
There's a fox on the field! pic.twitter.com/3FiM2W90yZ
— Sky Sports Cricket (@SkyCricket) August 5, 2025
ન્યૂ ઝીલૅન્ડના કેન વિલિયમસનની કૅપ્ટન્સીમાં લંડન (London) સ્પિરિટ અને સૅમ બિલિંગ્સના સુકાનમાં ઓવલ (Oval) ઇન્વિન્સિબલ્સ ટીમ વચ્ચે મૅચ રમાઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. નજીકના જંગલમાંથી શિયાળ મેદાન પર આવી ચડ્યું હતું. તે ઘણી વાર સુધી દોડ્યું હતું. મેદાન પર લાંબુ ચક્કર લગાવ્યા બાદ બે વખત બાઉન્ડરી લાઇનની બહાર ગયું હતું અને પાછા અંદર આવ્યા બાદ લાઇનની બહાર જઈને જાહેરખબરના બોર્ડની પાછળ છુપાઈ ગયું હતું.
આ પણ વાંચો: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતનો હનુમાન કૂદકો…
સ્વાભાવિક છે કે શિયાળની દોડવાની ઝડપ જોઈને કોઈ સલામતી રક્ષકે તેને પકડવાની હિંમત જ નહોતી કરી. હજારો પ્રેક્ષકોને સારું મનોરંજન મળી ગયું હતું, કારણકે મેદાન પર તેમણે ક્રિકેટના મેદાન પર જાણે `ઉસેન બૉલ્ટ’ને જોયો હતો.
એક તબક્કે તો આ શિયાળ બાઉન્ડરી લાઈનની આરપાર ગયો ત્યારે ગયા વર્ષના વર્લ્ડ કપની ફાઇનલમાં સૂર્યકૂમાર યાદવે ડેવિડ મિલરનો જે કૅચ પકડ્યો હતો એ ઘટના યાદ આવી ગઈ હતી.
આ પણ વાંચો: મેન ઑફ ધ સિરીઝ અવૉર્ડ આ ભારતીય પ્લેયરને મળવાનો હતો, ઉતાવળે ગિલને અપાયો!
રાશીદ ખાનની ત્રણ વિકેટે ઓવલને જિતાડ્યું
`ધ હન્ડ્રેડ’ (The Hundred) ટૂર્નામેન્ટમાં 100-100 બૉલવાળી મૅચ રમાય છે. લંડન સ્પિરિટની ટીમમાં કેન વિલિયમસન ઉપરાંત ડેવિડ વૉર્નર પણ હતો. જોકે તેઓ બન્ને નવ-નવ રન પર આઉટ થઈ ગયા હતા અને તેમની ટીમ ફક્ત 80 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. અફઘાનિસ્તાનના રાશીદ ખાને (Rashid khan) 11 રનમાં ત્રણ અને સૅમ કરૅને 18 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. ઓવલ ઇન્વિન્સિબલ્સની ટીમે ઓપનર વિલ જૅક્સના 24 રનની મદદથી માત્ર 13.4 ઓવરમાં ચાર વિકેટે 81 રન કરીને વિજય મેળવી લીધો હતો. તાજેતરમાં જ ભારત સામે રમનાર સ્પિનર લિઆમ ડૉસને બે વિકેટ લીધી હતી. રાશીદ ખાનને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર મળ્યો હતો. ઓવલની ટીમને વિજય બદલ ચાર પૉઇન્ટ મળ્યા છે. આ સ્પર્ધામાં કુલ આઠ ટીમ ભાગ લઈ રહી છે.