નેશનલ

એક કામ કરતાં ૫૦ વર્ષ લાગે એવા ચાર કામ માત્ર ત્રણ મહિનામાં થયાં: અમિત શાહ

અમદાવાદમાં ૧૬૫૧ કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: એક કામ કરતા ૫૦ વર્ષ લાગે એવા ચાર કામ વડા પ્રધાન નરેન્દ્રભાઇની આગેવાનીમાં માત્ર ત્રણ મહિનામાં થયા છે. જી૨૦ સમિટનું અભૂતપૂર્વ આયોજન વિશ્ર્વ સ્તરે ખ્યાતિ પાત્ર બન્યું જેમાં સર્વાનુમતે દિલ્હી ડેકલેરેશનની સ્વીકૃતિ સૌ ભારતીયો માટે ગૌરવની વાત છે, એવું કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું.

અમદાવાદમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ મનપા અને ઔડાના કુલ ૧૬૫૧ કરોડના અનેકવિધ પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે અમિત શાહે વધુમાં કહ્યું હતું કે, વિકાસ કાર્યોની ભેટમાં શહેરનો એક પણ વોર્ડ છૂટતો નથી. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં જ છેલ્લા બાવન મહિનામાં ૧૭,૫૪૪ કરોડના ખર્ચે ૧૧,૦૦૦ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે. જેના બદલ ગાંધીનગરના સાંસદ તરીકે તેમણે રાજ્ય સરકારનો આભાર માનીને સ્થાનિકોને અભિનંદન પાઠવ્યા હતાં
આફ્રિકન યુનિયનને જી૨૦ સંગઠનમાં સમાવી નરેન્દ્રભાઇએ ભારત વિકસિત અને વિકસતા દેશોની સાથે છે તેવો સંદેશ વિશ્ર્વને આપ્યો છે. જી૨૦નું આવું સફળ આયોજન અન્ય દેશો માટે એક ચેલેન્જ બની જશે, એમ તેમણે ઉમેર્યું હતું.

મિશન ચંદ્રયાનનો ઉલ્લેખ કરતા શાહે કહ્યું હતું કે, ચંદ્રયાન પર તિરંગો લહેરાતો નિહાળવો એ આપણા સૌનું સૌભાગ્ય છે. ઈસરોને વિશ્ર્વની શ્રેષ્ઠ અવકાશ સંસ્થા બનાવવાનું લક્ષ્ય નરેન્દ્રભાઇએ રાખ્યું હોવાનું જણાવી તેમણે ઇસરોના કાયાપલટનો શ્રેય વડા પ્રધાનને આપ્યો હતો.

શાહે વધુમાં ઉમેર્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીએ માતૃશક્તિના સન્માનનું શ્રેષ્ઠ ઉદાહરણ નારી શક્તિ વંદના અધિનિયમ થકી આપ્યું છે. આ કાયદાથી મહિલા શક્તિને નેતૃત્વમાં ભાગીદારી આપી મહિલા સન્માનના આપણા પ્રાચીન સંસ્કારોને કાયદાના વાઘા પહેરાવવામાં આવ્યા છે. નવી સંસદમાં પહેલું બિલ પસાર કરીને કેન્દ્ર સરકારે મહિલાઓનું સન્માન વધાર્યું છે.

આ લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આવનાર પાંચ વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ક્ષેત્રે પાંચ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં મેટ્રો રેલને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. મેટ્રો રેલ આધુનિક નગર વિકાસ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટેશનનું ઉત્તમ ઉદાહરણ છે. ભૂતકાળમાં એવો સમય હતો જ્યારે અમદાવાદમાં પૂર્વથી પશ્ચિમ વિસ્તારમાં જવા માટે માત્ર એ.એમ.ટી.એસ બસો જ ઉપલબ્ધ હતી. આજે અમદાવાદમાં બી.આર.ટી.એસ અને મેટ્રો સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ આધુનિક ટ્રાન્સપોર્ટેશન થકી પ્રજાજનોનો સમય અને પૈસા બંને બચે છે. અમદાવાદમાં એક વર્ષમાં એક કરોડ ૮૬ લાખ જેટલા લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી છે, જે તેની લોકપ્રિયતાની સાબિતી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button