રાજસ્થાનના બુંદીમાં માર્ગ અકસ્માતમાં પરિવારનાં ચારનાં મોત
કોટા: રાજસ્થાનના બુંદી જિલ્લામાં રવિવારે વહેલી સવારે નેશનલ હાઇવે બાવન પર કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અથડામણમાં મધ્ય પ્રદેશના એક પરિવારના ૪ સભ્યોનાં મોત થયાં હતાં.
પોલીસના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના હિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. કારમાં સવાર મધ્ય પ્રદેશનો પરિવાર પુષ્કર તરફ જઇ રહ્યો હતો. મૃતકોની ઓળખ દેવી સિંહ (૫૦), તેની પત્ની માનખોર કંવર (૪૫), તેના ભાઇ રાજારામ (૪૦) અને ભત્રીજા જિતેન્દ્ર (૨૦) તરીકે થઇ છે. જેઓ મધ્ય પ્રદેશના અગર-માલવા જિલ્લાના ગંગુખેડી ગામના રહેવાસી છે. હિંડીલી પોલીસ સ્ટેશનના સર્કલ ઇન્સ્પેક્ટર મનોજ સિકરવાલે જણાવ્યું હતું કે, આ અકસ્માત લગભગ ૧૨-૩૦ વાગ્યે થયો હતો. જ્યારે ચાર લોકોને લઇ જતી એસયુવી હિંડોલી
શહેર નજીક પાછળથી એક ભારે ટ્રક સાથે અથડાઇ હતી.
એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર એસયુવી સંભવત: સ્પીડમાં હતી, આગળ જતા ટ્રકે અચાનક બ્રેક મારતા કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હોવાનું અનુમાન છે. ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે રવિવારે સવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ થયું હતું. ટ્રક ડ્રાઇવર તેનું વાહન છોડીને સ્થળ પરથી ભાગી ગયો હતો. તેને પકડવાના પ્રયાસો ચાલુ છે. મૃતદેહોને પરિવારના સભ્યોના આવ્યા પછી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું હતું.