મહારાષ્ટ્રના ચાર નેતાને બેલગાવીમાં આજે ‘નો એન્ટ્રી’
બેંગ્લૂરુ/બેલગાવી: મહારાષ્ટ્રના ત્રણ પ્રધાન અને સાંસદ ધૈર્યશીલ માનેના બેલગાવીમાં પહેલી નવેમ્બરે પ્રવેશ કરવા પર વહીવટીતંત્રે પ્રતિબંધ મૂક્યો છે. મંગળવારે કર્ણાટક રાજ્યની રચનાનો દિવસ છે તે પ્રસંગે મહારાષ્ટ્ર એકીકરણ સમિતિ (એમઈએસ)એ ‘બ્લેક ડે’ મનાવવાનું એલાન કર્યું છે તેમાં હાજરી આપવા મહારાષ્ટ્રના ચાર નેતાઓને આમંત્રિત કરાયા હતા તે સંદર્ભમાં બેલગાવી વહીવટીતંત્રે તકેદારીના પગલાં ભર્યા છે. મહારાષ્ટ્રના પ્રધાન શંભુરાજે દેસાઈ, ચંદ્રકાંત પાટીલ, દીપક કેસરકર અને સાંસદ ધૈર્યશીલ માને એમઈએસના કાર્યક્રમમાં હાજર રહેવાના છે. પહેલી નવેમ્બરે ‘કર્ણાટક રાજ્યોત્સવ’ મનાવવામાં આવે છે ત્યારે એમઈએસ ‘બ્લેક ડે’ મનાવે છે. કર્ણાટકની મહારાષ્ટ્ર સાથેની સરહદના મરાઠીભાષી વિસ્તારોને મહારાષ્ટ્ર સાથે જોડવાની માગના
સમર્થનમાં એમઈએસ ઘણાં વર્ષોથી આંદોલન કરે છે. એમઈએસના અગ્રણીઓ તાજેતરમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળ્યા હતા અને સંસ્થાના કાર્યક્રમમાં હાજરી આપવા પ્રતિનિધિઓને મોકલવાની વિનંતી કરી હતી. મહારાષ્ટ્રના સાંસદ અને ત્રણ પ્રધાનને ૩૧મી ઑક્ટોબર સવારના છ કલાકથી બીજી નવેમ્બરે સાંજના છ કલાક સુધી બેલગાવીમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કર્ણાટકના ગૃહપ્રધાને કાયદાકીય પગલાં ભરવાની માગ કરી છે. ગૃહ પ્રધાન જી. પરમેશ્ર્વરાએ બંગ્લૂરુમાં પત્રકારોને કહ્યું કે, અમે આવી પ્રવૃત્તિઓ પર દર વર્ષે પ્રતિબંધ મુકતા હોય છે. આ વખતે પણ અમે કાયદો વ્યવસ્થા જાળવવા જરૂરી પગલા ભર્યા છે.