નેશનલ

જમ્મુમાં એન્કાઉન્ટરમાં ચાર જવાન શહીદ, ત્રણ ઘાયલ

સુરેશ એસ. ડુગ્ગર
જમ્મુ: રાજૌરી જિલ્લાના બાજી વિસ્તારમાં બુધવારે સવારે ત્રાસવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચેના એન્કાઉન્ટરમાં સૈન્યના ચાર અધિકારી શહીદ થયા હતા અને અન્ય ત્રણ જવાન ઈજાગ્રસ્ત થયા હતા. શહીદ થયેલા ચાર જવાનમાં બે કેપ્ટન અને એક હવાલદારનો સમાવેશ થાય છે.

દરમિયાન મંગળવારે રાતે શ્રીનગરના બેમિના વિસ્તારમાં પોલીસે શસ્ત્ર અને ગ્રેનેડના જથ્થા સાથે બે ત્રાસવાદીને ઝડપી પાડ્યા હતા.

પૂંચ-રાજૌરી રેન્જના ડીઆઈજી (ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ) હસીબ મુગલે કહ્યું કે મળેલી વિશ્ર્વસનીય બાતમીના આધારે પોલીસ અને સુરક્ષાદળોની સંયુક્ત ટીમ દ્વારા બાજી માલ અયર વિસ્તારમાં ‘સર્ચ – અભિયાન’ હાથ ધરવામાં આવ્યું હતું. જેવી સંયુક્ત ટીમ શકમંદ સ્થળ પાસે પહોંચી કે ત્યાં સંતાયેલા ત્રાસવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો અને સંયુક્ત ટીમ દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો હતો.

એન્કાઉન્ટર દરમિયાન સૈન્યના ચાર અધિકારી શહીદ થયા હતા. જયારે ત્રણ જવાન ઈજાગ્રસ્ત થયા હતા. અહીં બે ત્રાસવાદી હોવાની માહિતી સ્ત્રોતોએ આપી હતી.

દરમિયાન શ્રીનગરના બેમિના વિસ્તારમાંથી સુરક્ષાદળોએ ત્રાસવાદી જૂથ સાથે સંકળાયેલા બે શકમંદ વ્યક્તિને મંગળવારે રાતે ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી બે પિસ્તોલ અને ૧૦ ગ્રેનેડ કબજે કર્યા હતા. શકમંદોની પૂછપરછ થઈ રહી છે તેવી માહિતી અધિકારીઓએ આપી હતી.

જમ્મુ અને કાશ્મીરમાં શિયાળાની સાથે હિમવર્ષાની શરૂઆત થતાં પાકિસ્તાની લશ્કર દ્વારા સરહદ પારથી ત્રાસવાદીઓને ભારતમાં ઘુસાડવાની પ્રવૃત્તિમાં વધારો થાય છે. પાકિસ્તાનના લશ્કર દ્વારા અવારનવાર શસ્ત્રવિરામ પણ કરાતો રહે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button