રાજસ્થાન સરહદ નજીક કાર અકસ્માતમાં ચાર ગુજરાતીનાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત- રાજસ્થાન સીમા નજીક વીંછીવાડા પાસે કાર અને બસ વચ્ચે જોરાદાર ટક્કરમાં ચાર યુવકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં. તમામ મૃતકો રાજસ્થાનથી ગુજરાત પરત આવી રહ્યા હતા ત્યારે તેમની કારને અકસ્માત નડ્યો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર ઉદેપુર – અમદાવાદ હાઈવે પર મધ્યરાત્રીના અરસા દરમિયાન પાંચ યુવાનો કાર મારફતે ગુજરાત આવવા
માટે નીકળ્યા હતા. તેમજ કારને મુખ્ય હાઈવે પર લઈ જવા માટે કારને રોંગ સાઈડ ફુલ સ્પીડમાં હંકારી હતી.આ દરમિયાન ડ્રાઈવરે કંટ્રોલ ગુમાવતા કાર હાઇવે પર પૂર ઝડપે આવી રહેલી બસ સાથે ટકરાઇ હતી. જેમાં ચાર યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. તેમજ એક યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી. મૃતકોની પ્રાથમિક ઓળખમાં તેઓ શામળાજી નજીકના ગ્રામીણ વિસ્તારના હોવાનું જણાયું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને યુવાનોને કારમાંથી બહાર કાઢવા માટે પ્રયાસ કર્યો હતો. જોકે એકાદ કલાકે કારમાંથી લાશ અને ગંભીર યુવાનને બહાર નીકાળી શકાયો હતો. તમામ મૃતકોની ઉંમર ૩૦ થી ૩૫ વર્ષ વચ્ચેની હોવાનું તપાસમાં જણાયું હતું.