બિહારની ટે્રન દુર્ઘટનામાં ચારનાં મોત, અનેક ઘાયલઉચ્ચ સ્તરની તપાસનો આદેશ: ઘણી ટે્રનને અસર
ડબ્બા ખડી પડ્યા: બક્સર જિલ્લામાં ગુરુવારે રઘુનાથપુર સ્ટેશન નજીક દિલ્હી-કામાખ્યા નૉર્થ-ઈસ્ટ એક્સપ્રેસના ડબ્બા ખડી પડ્યા હતા. (એજન્સી)
બક્સર: બિહારના બક્સર જિલ્લામાં દિલ્હી – કામાખ્યા નોર્થ ઇસ્ટ એક્સપ્રેસ પાટા પરથી ખડી પડતાં ચાર જણ માર્યા ગયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. મરણાંક વધવાની ભીતિ છે. રેલવેએ આ દુર્ઘટનાની ઉચ્ચ સ્તરની તપાસનો આદેશ આપ્યો હતો.
દિલ્હીથી આસામ જઇ રહેલી આ ટે્રનના 23 ડબા બુધવારે રાતે અંદાજે 9.53 વાગ્યે રઘુનાથપુર સ્ટેશનની પાસે ખડી પડ્યા હતા.
મરનારા દરેક લોકોના સગાંને રૂપિયા 10 લાખ અને દરેક ઘાયલ લોકોને રૂપિયા પચાસ હજાર આપવાની જાહેરાત કરાઇ હતી.
ટે્રન દુર્ઘટનાને લીધે અનેક ટે્રનને માઠી અસર થઇ હતી. કેટલીક ટે્રન રદ કરાઇ હતી, જ્યારે અમુક ટે્રનને બીજા
માર્ગે વાળવામાં આવી હતી અથવા તેનો માર્ગ ટૂંકાવાયો હતો.
જગદીશપુરના સબ-ડિવિઝનલ પોલીસ ઑફિસર રાજીવચંદ્ર સિંહે જણાવ્યું હતું કે ટે્રન દુર્ઘટનાને લીધે રેલવેના ઇલેક્ટ્રિક વાયર્સ, થાંભલા અને પાટાને નુકસાન થયું હતું. ટે્રનના ડબા પાટા પરથી ખડી પડ્યા બાદ ઊંધા વળી નહિ ગયા હોવાથી જાનહાનિ ઓછી થઇ હતી. રેલવેની ટૅક્નિકલ ટીમ જ અકસ્માતનું સાચું કારણ જણાવી શકશે.
પૂર્વ મધ્ય રેલવેના મુખ્ય જન સંપર્ક અધિકારી વીરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે આ ટે્રન બક્સર સ્ટેશનેથી નીકળીને આરા સ્ટેશનની તરફ જઇ રહી હતી ત્યારે આ દુર્ઘટના થઇ હતી. ટે્રનને બક્સર સ્ટેશનેથી નીકળ્યાને હજી અડધો કલાક પણ નહોતો થયો ત્યારે ટે્રન પાટા પરથી ખડી પડી હતી.
તેમણે જણાવ્યું હતું કે આ ટે્રન રઘુનાથપુર સ્ટેશન ખાતે ઊભી નહોતી રહેવાની પણ તેની પાસે જ આ દુર્ઘટના થઇ હતી. ટે્રન દુર્ઘટનાના સમાચાર મળતા ડૉક્ટરોને એમ્બ્યુલન્સની સાથે અકસ્માતને સ્થળે મોકલાયા હતા અને બચાવ તેમ જ રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઇ હતી.
રેલવે પોલીસ દળના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 70 જણ ઘાયલ થયા હતા અને તેઓને સારવાર માટે સ્થાનિક હૉસ્પિટલોમાં લઇ જવાયા હતા. દસ ઘાયલ મુસાફરને પટણાની એઇમ્સ'ના ટ્રૉમા સેન્ટર ખાતે દાખલ કરાયા હતા. કેન્દ્રના પ્રધાન અશ્વિનીકુમાર ચૌબે બક્સરના સાંસદ છે અને તેમણે પટણાની
એઇમ્સ’ના ડિરેક્ટર સાથે મુસાફરોની સારવારના સંબંધમાં વાત કરી હતી.
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા `એક્સ’ પર લખ્યું હતું કે અમે આ દુર્ઘટનાનું કારણ શોધીને જ રહીશું. બચાવ કામગીરી પૂરી થઇ છે અને બધા ડબાને ફરી તપાસાયા હતા.
દુર્ઘટનાને કારણે 21 ટે્રનને બીજે માર્ગે વાળવામાં આવી હતી. (એજન્સી)