મણિપુરમાં ચાર નાગરિકની હત્યાઃ એનઆઇએએ એક આતંકવાદીની કરી ધરપકડ
નવી દિલ્હીઃ આસામની જેલમાં બંધ એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. આતંકી પર આરોપ છે કે તે મણિપુરના વિષ્ણુપુર જિલ્લાના ચાર લોકોની હત્યામાં સામેલ હતો. એનઆઇએએ આ અંગે નિવેદન જાહેર કર્યું છે.
એનઆઇએએ જણાવ્યું હતું કે મણિપુરના રહેવાસી લુનમિનસેઇ કિપગેન ઉર્ફે લેંગિનમંગ ઉર્ફે મંગ ઉર્ફે લેવીને શનિવારે ગુવાહાટીના લોખરા સ્થિત સેન્ટ્રલ જેલમાંથી ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ અને આર્મ્સ એક્ટની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
18 જાન્યુઆરીના રોજ થયેલી ભીષણ હત્યામાં ધરપકડ કરાયેલ તે પ્રથમ આરોપી છે. સશસ્ત્ર હુમલાખોરોએ બિષ્ણુપુરના નિંગથોખોંગ ખા ખુનૌમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસે ચાર નાગરિકોની નિર્દયતાથી હત્યા કરી હતી.
શનિવારે એનઆઇએએ મણિપુરના બિષ્ણુપુર જિલ્લામાં ચાર નાગરિકોની હત્યાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આ વ્યક્તિ હાલમાં અન્ય કેસમાં ગુવાહાટી જેલમાં છે. હુમલાખોરોએ અત્યાધુનિક હથિયારોથી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં ચાર નાગરિકોના મોત થયા હતા.
એનઆઇએએ 9 ફેબ્રુઆરીએ કેસ નોંધ્યો હતો. તપાસ દરમિયાન એવું બહાર આવ્યું છે કે આ હુમલામાં લુનમિનસેઇ કિપગેન સક્રિય રીતે સામેલ હતો. જે ઉત્તર-પૂર્વ રાજ્યમાં ચાલી રહેલી વંશીય અશાંતિ અને હિંસાનો પણ એક ભાગ હતો. અગાઉ તે કુકી આતંકવાદી સંગઠન કેએનએફ (પી) નો કેડર હતો, પરંતુ હિંસા દરમિયાન તે અન્ય કુકી આતંકવાદી સંગઠન – યુનાઈટેડ કુકી નેશનલ આર્મીમાં જોડાયો હતો. અનેક હત્યાઓને અંજામ આપ્યો હતો.