નવી સરકાર બનતા…: PM Modiએ બંગાળમાં આપ્યું મોટું નિવેદન
કોલકાતા: લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કર્યા પછી સત્તાધારી પાર્ટી સહિત વિરોધી પાર્ટી મતદારોને રિઝવવા માટે નવા નવા વચનો આપી રહ્યા છે, ત્યારે આજે પીએમ નરેન્દ્ર મોદીએ બંગાળમાં પોતાની નવી સરકાર બનવા અંગે સૌથી મોટું નિવેદન આપ્યું હતું. ઉપરાંત, ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ ભ્રષ્ટાચારીઓ પાસેથી જપ્ત કરેલી સંપત્તિ વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે.
બંગાળમાં ભ્રષ્ટાચારીઓ પાસેથી જપ્ત કરવામાં આવેલી 3,000 કરોડ રૂપિયા જેટલી સંપત્તિ ગરીબોને સોંપવાની તૈયારી કેન્દ્ર સરકાર કરી રહી છે. નદીયા જિલ્લાની કૃષ્ણાનગર બેઠક ઉપરથી ભાજપ તરફથી લડી રહેલી રાજ ઘરાનાના રાજમાતા અમૃતા રાય સાથે વડા પ્રધાને બુધવારે ટેલિફોન ઉપર વાતચીત કરી ત્યારે આ વાત કહી હતી. આમ કરવા માટે કાયદાકીય રસ્તાઓ પણ શોધવામાં આવી રહ્યા છે.
આ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર રાજમાતા અમૃતા રાય વિરુદ્ધ તૃણમૂલ કૉંગ્રેસે મઉઆ મોઇત્રાને ઉમેદવાર તરીકે ઊભા કર્યા છે. ગરીબો પાસેથી લૂંટવામાં આવેલી 3,000 કરોડ રૂપિયાની સંપત્તિ ફરી પાછી તેમને આપવાની તૈયારી કરવામાં આવી રહી હોવાના અહેવાલ છે.
ક્લર્ક, શિક્ષકો વગેરેને નોકરી આપવા માટે લાંચ રૂપે જે રકમ ગરીબો પાસેથી લૂંટવામાં આવી તે તેમને પાછી મળે એ માટે કાયદાકીય વિકલ્પો શોધવામાં આવી રહી હોવાની માહિતી મળી છે.
વડા પ્રધાને કહ્યું કે ચૂંટણી જીત્યા બાદ નવી સરકાર બને ત્યાર પછી ગરીબોને તેમના પૈસા પાછા મળી શકે એ માટે નવો કાયદો બનાવવા માટે કામ કરવામાં આવશે. વડા પ્રધાને રાજમાતાને આ વાત દરેકને જણાવવા કહ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.