આસામ ભાજપમાં ભડકો? પૂર્વ કેન્દ્રીય પ્રધાનનું રાજીનામું, ૧૭ સમર્થકો સાથે પાર્ટી છોડી! ૩૦ વર્ષ જૂના સંબંધનો અંત

ગુવાહાટી: આસામમાં ભાજપને એક મોટો ફટકો પડ્યો છે. આસામ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય રેલ રાજ્ય પ્રધાન રાજન ગોહેને ગુરુવારે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. ૩૦ વર્ષથી વધુ સમય સુધી પાર્ટીમાં રહેલા ૭૪ વર્ષીય ગોહેને ગુવાહાટી સ્થિત પાર્ટી મુખ્યાલયમાં તેમના ૧૭ સમર્થકો સાથે રાજીનામું સુપરત કર્યું હતું.
મતભેદો અને આંતરિક જૂથબંધી
આસામ ભાજપના પૂર્વ અધ્યક્ષ અને નાગાંવથી ચાર વખત સાંસદ રહેલા ગોહેન, છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યની પાર્ટી એકમમાં જૂના અને નવા નેતાઓ વચ્ચેની આંતરિક તિરાડ નો મુખ્ય ચહેરો હતા. આ તિરાડ મુખ્ય પ્રધાન હિમંત બિસ્વા સરમાના નેતૃત્વમાં ઉભરી આવી હતી. સરમા ૨૦૧૫માં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. રાજન ગોહેને સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે આ જ મતભેદો તેમના રાજીનામાનું મુખ્ય કારણ છે.
વરિષ્ઠ નેતાઓને બાકાત
રાજન ગોહેને ભાવુક થઈને કહ્યું હતું કે, “અમે આ પાર્ટીમાં એ લોકો માટે જોડાયા ન હતા જેઓ હાલમાં સત્તામાં છે. અમે અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી અને અન્ય વરિષ્ઠ નેતાઓથી પ્રેરિત થઈને આવ્યા હતા. પરંતુ હવે પરિસ્થિતિ એવી છે કે અન્ય પાર્ટીઓમાંથી લોકોને લાવ્યા પછી, જે વરિષ્ઠ લોકોએ પોતાનો કિંમતી સમય ભાજપને આપ્યો છે, તેમને બાકાત કરવામાં આવ્યા છે.”
ભાજપ પર ગંભીર આરોપ મૂક્યો
અહોમ સમુદાયમાંથી આવતા રાજન ગોહેને ભાજપ પર ગંભીર આરોપ મૂક્યો કે હવે ભાજપ “અસમીયા લોકોની સૌથી મોટી દુશ્મન” છે. તેમણે આરોપ કર્યો કે ૨૦૨૩માં થયેલા પરિસીમન પછી અહોમ જેવા “સ્વદેશી” સમુદાયોનો રાજકીય પ્રભાવ ઘટી ગયો છે. તેમણે કહ્યું કે, “આસામ વિધાનસભામાં લગભગ ૩૦-૪૦ બેઠકો અહોમ સમુદાય દ્વારા નક્કી થતી હતી. પરંતુ આજે, એક પણ એવો મતવિસ્તાર નથી જ્યાંથી તેઓ ટિકિટનો હક માંગી શકે. આખો સમુદાય વેરવિખેર થઈ ગયો છે.”
પદ પરથી પણ આપ્યું હતું રાજીનામું
ઉલ્લેખનીય છે કે, ૨૦૨૩માં પરિસીમન પ્રક્રિયા દરમિયાન પણ ગોહેને તેમના પૂર્વ લોકસભા ક્ષેત્ર નાગાંવમાં થયેલા ફેરફારોના વિરોધમાં આસામ ખાદ્ય અને નાગરિક પુરવઠા નિગમના અધ્યક્ષ પદેથી (જે કેબિનેટ કક્ષાનું પદ હતું) રાજીનામું આપી દીધું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે મોટી સંખ્યામાં લઘુમતી મતદારોને સામેલ કરીને બેઠકની વસ્તી વિષયક સ્થિતિ બદલવામાં આવી છે, જેનાથી આ બેઠક ભાજપ માટે જીતવી અશક્ય બની ગઈ છે.
ભાજપનો પ્રતિકાર
ભાજપના પ્રવક્તા રંજીબ કુમાર સરમાએ ગોહેનના રાજીનામાની આસામમાં છ મહિના પછી યોજાનારી વિધાનસભા ચૂંટણી પરની અસરને ઓછી આંકતા કહ્યું કે, “જ્યારે તેઓ નાગાંવથી સાંસદ હતા, ત્યારે પણ આ મતવિસ્તારમાં કોઈ ભાજપના ધારાસભ્ય નહોતા. જોકે, હવે નાગાંવમાંથી આઠ ભાજપના ધારાસભ્યો છે. આ દર્શાવે છે કે તેમના રાજીનામાની કોઈ ખાસ અસર થશે નહીં.” તેમણે ઉમેર્યું કે ભાજપે ગોહેનને તેમનો યોગ્ય હક આપ્યો હતો.
આ પણ વાંચો…‘BJP સાથે સરકાર બનાવવા કરતાં હું રાજીનામું આપી દઈશ’: ઓમર અબ્દુલ્લાએ આવું કેમ કહ્યું?