સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ વી. રામસુબ્રમણ્યમ બન્યા NHRCના અધ્યક્ષ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ વી. રામસુબ્રમણ્યમને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC)ના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ પહેલા પૂર્વ CJI DY ચંદ્રચુડના નામ પર પણ આ પદ માટે વિચારણા કરવામાં આવી રહી હતી, પરંતુ તેમણે ખુદ આવા સમાચારોને અફવા ગણાવી હતી. રાષ્ટ્રીય માનવાધિકાર પંચના અધ્યક્ષનું પદ 1 જૂનથી ખાલી હતું, જેના માટે હવે સોમવારે નિમણૂક કરવામાં આવી છે.
નિવૃત્ત જસ્ટિસ અરુણ કુમાર મિશ્રાનો કાર્યકાળ 1 જૂને પૂરો થયો હતો. ત્યારથી NHRC અધ્યક્ષનું પદ ખાલી હતું. જસ્ટિસ અરુણ મિશ્રાએ રાજીનામું આપ્યા પછી, NHRC સભ્ય વિજયા ભારતી સયાનીને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. NHRC ને સંચાલિત કરતા કાયદા અનુસાર, રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) ના અધ્યક્ષની પસંદગી માટેની સમિતિની અધ્યક્ષતા વડાપ્રધાન કરે છે. આ સમિતિમાં લોકસભાના અધ્યક્ષ, ગૃહ પ્રધાન, બંને ગૃહોના વિરોધ પક્ષના નેતા અને રાજ્યસભાના ઉપાધ્યક્ષનો સમાવેશ થાય છે.
બુધવારે, જ્યારે માનવ અધિકાર પંચ (NHRC) નવા વડાના નામો પર વિચારણા કરવા માટે બેઠક કરી રહ્યું હતું, ત્યારે એવા અહેવાલો આવ્યા હતા કે ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ આ પદ માટે દોડમાં છે. જો કે, જસ્ટિસ ચંદ્રચુડે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના અધ્યક્ષ પદ માટે તેમના નામની વિચારણાના અહેવાલોને ફગાવી દીધા હતા. ચંદ્રચુડે કહ્યું હતું કે તેઓ એક સામાન્ય વ્યક્તિ તરીકે નિવૃત્ત જીવનનો આનંદ માણી રહ્યા છે અને આ માત્ર અફવાઓ છે.
નોંધનીય છે કે NHRCના અધ્યક્ષ કાં તો ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ હોય અથવા તો સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ હોય છે. અધ્યક્ષનું પદ ખાલી હોવાથી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિજયા ભારતી સયાની કમિશનના કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ કરી રહ્યા હતા. અગાઉ આ પદ ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ એચએલ દત્તુ પાસે હતું, જેમની નિમણૂક 2016માં થઈ હતી. ભૂતપૂર્વ CJI કેજી બાલકૃષ્ણને પણ 2010 અને 2016 વચ્ચે NHRCના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.