મુંબઈના માજી મેયર દત્તા દળવીની ધરપકડ
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે માટે કથિત અયોગ્ય ટિપ્પણી કરવા બદલ મુંબઈ પોલીસે બુધવારે શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના નેતા અને મુંબઈના માજી મેયર દત્તા દળવીની ધરપકડ કરી હોવાનું અધિકારીઓએ કહ્યું હતું.
સિટી કોર્ટે ત્યાર બાદ દત્તા દળવીને ૧૪ દિવસની જ્યૂડિશિયલ કસ્ટડી આપી હતી. હું નિર્દોષ છું અને મને ખોટી રીતે કેસમાં ફસાવવામાં આવ્યો હોવાનો દાવો કરી આરોપી દત્તા દળવીએ કોર્ટ પાસે જામીન માગ્યા હતા.
દત્તા દળવીની અરજીની સુનાવણી ગુરુવારે કરવામાં આવશે. બુધવારે સવારે મુંબઈના ભાંડુપ વિસ્તારમાંથી દત્તા દળવીની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ અધિકારીએ કહ્યું હતું. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેના વડપણ હેઠળ રવિવારે ભાંડુપ ખાતે શિવસેના (યુબીટી)ની બેઠક બોલાવવામાં આવી હતી જ્યાં દળવીએ એકનાથ શિંદે માટે કથિત વાંધાજનક ટિપ્પણી કરી હતી, એમ ભાંડુપ પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું.
એ આધારે દળવી વિરુદ્ધ આઈપીસીની કલમ ૧૫૩ એ (ધર્મ, જાતિ, જન્મસ્થળ, રહેણાંક, ભાષા વગેરે), કલમ ૧૫૩ બી, ૨૯૪, ૫૦૪ સહિતની આઈપીસીની વિવિધ કલમ અંતર્ગત દળવી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવ્યો હતો, એમ તેમણે કહ્યું હતું.
ધરપકડ બાદ પોલીસે દળવીને મુલુન્ડની મેજિસ્ટ્રેટ અદાલતમાં રજૂ કર્યા હતા અને બે દિવસના રિમાન્ડ માગ્યા હતા.
આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા દળવીની ધરપકડ કરવી જરૂરી હોવાનું તપાસકર્તાઓએ કહ્યું હતું.
જોકે, દળવી વતી ઉપસ્થિત રહેલા ઍડવોકેટ સંદીપસિંહએ કહ્યું હતું કે રિમાન્ડની અરજીમાં દળવીની કસ્ટડી માટે યોગ્ય ભૂમિકા માંડવામાં નહોતી આવી અને તેમની અંગત સ્વતંત્રતા પર રોક લગાવી શકાય નહીં.
તેમણે દલીલ કરી હતી કે જે કલમ અંતર્ગત આરોપીની ધરપકડ કરવામાં આવી હતી એ ગુનો તેમણે કર્યો જ નહોતો.
રાજકીય ક્ધિનાખોરીને કારણે તેમની ધરપકડ કરવામાં આવી હોવાનું સંદીપસિંહે કહ્યું હતું.
બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પોલીસને આરોપીની કસ્ટડી આપવાનું નકારી કાઢ્યું હતું અને જ્યુડિશિયલ કસ્ટડી આપી હતી.
ત્યાર બાદ દળવીએ એમ કહીને જામીનની અરજી કરી હતી કે મને કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. કથિત ગુનામાં મેં કોઈ ભૂમિકા ભજવી નથી, એમ અરજીમાં જણાવવામાં આવ્યું હતું. (એજન્સી)