નેશનલ

માજી સાંસદ લાલસિંહની ધરપકડ

જમ્મુ: અહીંની ડોગરા સ્વાભિમાન સંગઠન પાર્ટી (ડીએસએસપી)ના વડા ચૌધરી લાલસિંહની મંગળવારે સાંજે મની લોન્ડરિંગના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે (ઈડીએ) ધરપકડ કરી હતી. અહીંની સ્થાનિક કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી તે પછી ઈડીએ લાલસિંહની ધરપકડ કરી હતી.

લાલસિંહ ભૂતપૂર્વ સાંસદ છે. તેઓ ભારતીય જનતા પાર્ટીમાં ૨૦૧૪માં જોડાયા હતા અને ૨૦૧૮માં પક્ષ છોડ્યો હતો અને ડોગરા સ્વાભિમાન સંગઠન પાર્ટીની રચના કરી હતી.
મંગળવારે જમ્મુના સીબીઆઈના સ્પેશિયલ જજ બાલા જ્યોતિએ આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.

આરોપનો પ્રકાર અને ગંભીરતાને ધ્યાનમાં રાખી અસરકારક તપાસ કરવા તપાસકર્તા એજન્સીને પર્યાપ્ત સમય આપવો જોઈએ તેવું સ્પેશિયલ જજે અવલોકન કર્યું હતું. લાલસિંહના પત્ની અને પુત્રીના આગોતરા જામીન સીબીઆઈ કોર્ટે ૩૦મી નવેમ્બર સુધી લંબાવી આપ્યા હતા.

લાલસિંહના પત્ની દ્વારા સંચાલિત શૈક્ષણિક ટ્રસ્ટ સામે પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો તેના ભાગરૂપે ઈડી લાલસિંહની પૂછપરછ કરી રહી હતી. ઈડીએ લાલસિંહની શનિવારે અને સોમવારે પૂછપરછ કરી હતી.

જમ્મુ અને કાશ્મીરની પીડીપી – ભાજપ જોડાણ સરકારમાં લાલસિંહ ભાજપના પ્રધાન હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button