બેંગલુરુઃ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને દેશના પૂર્વ વિદેશ મંત્રી એસએમ કૃષ્ણાનું(SM Krishna)92 વર્ષની વયે નિધન થયું છે. તેમનું બેંગલુરુ સ્થિત તેમના નિવાસ સ્થાને અવસાન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. 2023માં કેન્દ્ર સરકારે એસએમ કૃષ્ણાને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા. હાલમાં તેઓ ભાજપ સાથે જોડાયેલા હતા. રાજ્યના મુખ્યમંત્રી સહિત ભાજપ અને કોંગ્રેસના ઘણા નેતાઓએ એસએમ કૃષ્ણાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
1999 થી 2004 સુધી કર્ણાટકના મુખ્યમંત્રી હતા
એસએમ કૃષ્ણા એક સમયે કર્ણાટકમાં કોંગ્રેસના મોટા નેતા હતા અને રાજ્યના રાજકારણમાં તેમનો ઘણો પ્રભાવ હતો. તેઓ 1999 થી 2004 સુધી કર્ણાટકના મુખ્યમંત્રી હતા. બાદમાં તેઓ મનમોહન સિંહના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારમાં વિદેશ મંત્રી પણ રહ્યા હતા. માર્ચ 2017માં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.
1960માં રાજકારણમાં પ્રવેશ
એસએમ કૃષ્ણાએ 1960 ની આસપાસ તેમની રાજકીય ઇનિંગ્સ શરૂ કરી હતી. 1962માં તેમણે મદ્દુર વિધાનસભા બેઠક પરથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને કોંગ્રેસના ઉમેદવારને હરાવીને ચૂંટણી જીતી હતી. આ પછી તેઓ પ્રજા સમાજવાદી પાર્ટીમાં જોડાયા અને 1968માં માંડ્યા લોકસભા બેઠકની પેટાચૂંટણી જીતી. ત્યારબાદ એસએમ કૃષ્ણા કોંગ્રેસમાં જોડાયા અને 1971માં માંડ્યા લોકસભા બેઠક પરથી ફરીથી ચૂંટણી જીત્યા.
Also Read – “હિંદુઓની સુરક્ષા પહેલા સુનિશ્ચિત કરો….” ઢાકામાં ઉચ્ચ સ્તરીય બેઠકમાં બોલ્યા ભારતીય વિદેશ સચિવ…
મહારાષ્ટ્રના રાજ્યપાલ રહ્યા હતા એસએમ કૃષ્ણા
1985 માં, એસએમ કૃષ્ણા ફરીથી રાજ્યના રાજકારણમાં પાછા ફર્યા અને વિધાનસભાની ચૂંટણી લડ્યા. તેઓ 1999 થી 2004 સુધી રાજ્યના મુખ્યમંત્રી હતા. તેઓ ડિસેમ્બર 2004 થી માર્ચ 2008 સુધી મહારાષ્ટ્રના રાજ્યપાલ હતા. મનમોહન સિંહ સરકારમાં એસએમ કૃષ્ણાએ વિદેશ મંત્રીનું પદ પણ સંભાળ્યું હતું. જાન્યુઆરી 2023 માં એસએમ કૃષ્ણાએ જાહેરાત કરી હતી કે તેઓ હવે સક્રિય રાજકારણમાં રહેશે નહીં.