ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચમ્પાઈ સોરેન અને 10 અન્યોએ પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા
રાંચી: ઝારખંડની જેએમએમના નેતૃત્વ હેઠળની હેમંત સોરેનની ગઠબંધન સરકારનું વિસ્તરણ સોમવારે કરવામાં આવ્યું હતું, જેમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચમ્પાઈ સોરેન સહિત 10 અન્ય નેતાઓએ શપથ ગ્રહણ કર્યા હતા.
ત્રીજી જુલાઈએ ચમ્પાઈએ રાજીનામું આપ્યું હતું. જેએમએમના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેને ચોથી જુલાઈના રોજ ઝારખંડના 13મા મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.
ઝારખંડના રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણને રાજભવનમાં આયોજિત સમારોહમાં 11 નેતાઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરાવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય પ્રધાન હેમંત સોરેન અને અન્ય સિનિયર નેતાઓ હાજર હતા.
12 સભ્યની નવી કેબિનેટમાં કૉંગ્રેસના જામતારાના વિધાનસભ્ય ઈરફાન અન્સારી, મહાગમાના વિધાનસભ્ય દીપીકા પાંડે સિંહ અને જેએમએમના લાતેહારના વિધાનસભ્યટ વૈદ્યનાથ રામ નવા ચહેરા છે.
આ પણ વાંચો : કાશ્મીરમાં આર્મીના વાહન પર આતંકવાદી હુમલોઃ ચાર જવાન શહીદ
અહીં ઉલ્લેખનીય છે કે ચમ્પાઈ સોરેનની કેબિનેટમાંથી છેલ્લી ઘડીએ રામનું નામ કાપી નાખવામાં આવ્યું ત્યારે તેમણે આને પોતાનું અપમાન ગણાવ્યું હતું. અત્યારે તેમને કેબિનેટમાં તક મળી છે.
કેબિનેટમાં જાળવી રાખવામાં આવેલા નેતાઓમાં કૉંગ્રેસના રામેશ્ર્વર ઓરાઓન અને બન્ના ગુપ્તા, ઉપરાંત જેએમએમના મિથિલેશ કુમાર ઠાકુર, હફિઝુલ હસન, દિપક બિરુઆ અને બેબી દેવી જ્યારે આરજેડીના સત્યાનંદ ભોક્તાનો સમાવેશ થાય છે.
આ પહેલાં હેમંત સોરેનની સરકારે વિધાનસભામાં વિપક્ષી સભ્યોના વોકઆઉટ વચ્ચે વિશ્ર્વાસનો મત જીતી લીધો હતો.
હેમંત સોરેનને 28 જૂને જેલમાંથી જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. (પીટીઆઈ)