લખનઊમાં રિટાયર્ડ IASના ઘરમાં વહેલી સવારે લૂંટ, વિરોધ કરવા પર પત્નીની હત્યા
લખનઊઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઊમાં શનિવારે સવારે બદમાશોએ એક નિવૃત્ત આઈએએસ અધિકારીના ઘરે ધોળે દહાડે લૂંટ ચલાવી હતી. જ્યારે આઈએએસ અધિકારીની પત્નીએ વિરોધ કર્યો, ત્યારે તેને ફાંસી પર લટકાવી દેવામાં આવી હતી. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી.
રાયબરેલી અને અલાહાબાદમાં ડિવિઝનલ કમિશનર સહિત ઘણા જિલ્લાઓમાં ડીએમ રહી ચૂકેલા 71 વર્ષીય નિવૃત્ત IAS અધિકારી ડીએન દુબે લખનઊના ઈન્દિરાનગર પોલીસ સ્ટેશન વિસ્તારના સેક્ટર-22માં રહે છે. શનિવારે સવારે ગોલ્ફ રમીને જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે ઘરમાં બધું વેરવિખેર હતું. તેમની પત્ની મોહિનીનો મૃતદેહ જમીન પર પડેલો હતો. તેના ગળામાં ફાંસો બાંધવામાં આવ્યો હતો. તેમણે તરત જ પોલીસને જાણ કરી હતી.
ફોરેન્સિક ટીમ અને ડોગ સ્કવોડને પણ સ્થળ પર બોલાવવામાં આવી છે. તેમજ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. પોલીસે કેસ નોંધીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે અને આસપાસના લોકોની પૂછપરછ કરી રહી છે.