કર્ણાટકમાં પૂર્વ ડીજીપીનો ઘરેથી મૃતદેહ મળતા ખળભળાટ, પત્નીની પૂછપરછ

બેંગલુરુ: કર્ણાટકના પૂર્વ ડીજી અને આઈજીપી ઓમ પ્રકાશની હત્યા કરી દેવામાં આવી હોવાના ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, પૂર્વ ડીજીપીનો લોહીથી લથપથ મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવ્યો છે. પોલીસની પ્રારંભિક તપાસમાં પત્ની પર હત્યાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
મળતી વિગતો અનુસાર બેંગલુરુથી એક સનસનીખેજ સમાચાર સામે આવ્યા છે. કર્ણાટકના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક (DGP) ઓમ પ્રકાશનો મૃતદેહ રવિવારે તેમના ઘરમાં મળી આવ્યો હતો. 1981ની બેચના આઈપીએસ અધિકારી ઓમ પ્રકાશનો મૃતદેહ લોહીથી લથપથ હાલતમાં મળી આવ્યો હતો. મીડિયા અહેવાલ અનુસાર પોલીસને શંકા છે કે આ પૂર્વયોજિત હત્યા હોઈ શકે છે અને આ કેસમાં તેની પત્નીની અટકાયત કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં પોલીસે જણાવ્યું હતું કે તેમનું મૃત્યુ કુદરતી રીતે થયું નથી અને સંજોગો શંકાસ્પદ હતા.
આ પણ વાંચો: કરુણ અંત: કચ્છના અફાટ રણમાં ભૂલાં પડેલા ઇજનેરનો પાંચમા દિવસે મૃતદેહ હાથ લાગ્યો
પોલીસ આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે. જોકે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે અને મૃત્યુનું કારણ જાણવા માટે રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.