નેશનલ

શીખ વિરોધી રમખાણના કેસમાં કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ સજ્જન કુમાર નિર્દોષ

નવી દિલ્હીઃ દિલ્હીની એક અદાલતે ભૂતપૂર્વ કોંગ્રેસના સાંસદ સજ્જન કુમારને 1984ના શીખ વિરોધી રમખાણો દરમિયાન એક વ્યક્તિની હત્યા સાથે સંબંધિત કેસમાં ‘શંકાનો લાભ’ આપીને નિર્દોષ જાહેર કર્યા હતા.

વિશેષ ન્યાયાધીશ ગીતાંજલિ ગોયલે અન્ય બે આરોપીઓ વેદ પ્રકાશ પિયાલ અને બ્રહ્માનંદ ગુપ્તાને પણ નિર્દોષ છોડી મૂક્યા હતા અને કહ્યું હતું કે ફરિયાદ પક્ષ તેમની સામે હત્યા અને રમખાણોના આરોપોને સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે.

સુલતાનપુરીમાં આ ઘટના દરમિયાન શીખ વ્યક્તિ સુરજીત સિંહનું મોત થયું હતું. ન્યાયાધીશે કહ્યું હતું કે આરોપી સજ્જન કુમારને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. સજ્જન કુમાર પર ભારતીય દંડ સંહિતાની કલમ 153A હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો. કલમ 109 (ગુના કરવા માટે ઉશ્કેરણી), કલમ 302 (હત્યા) અને કલમ 147 (હુલ્લડો) હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો હતો.

31 ઓક્ટોબર, 1984ના રોજ તત્કાલિન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની તેમના શીખ અંગરક્ષકો દ્વારા હત્યા કરવામાં આવી હતી, ત્યારબાદ રમખાણો ફાટી નીકળ્યા હતા. રમખાણો સંબંધિત અન્ય કેસમાં દોષિત જાહેર થયા બાદ સજ્જન કુમાર હાલમાં તિહાર જેલમાં બંધ છે. 17 ડિસેમ્બર, 2018ના રોજ દિલ્હી હાઈ કોર્ટે રમખાણો સંબંધિત કેસમાં સજ્જન કુમારને આજીવન જેલની સજા ફટકારી હતી. આ પછી તેણે ઘણી વખત સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે, પરંતુ દરેક વખતે તેની અરજી ફગાવી દેવામાં આવી હતી.

સપ્ટેમ્બરની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે સજ્જન કુમારની અરજીને ફગાવી દીધી હતી, જેમાં તેણે તબિયતને ટાંકીને કોર્ટ પાસે જામીનની માંગ કરી હતી. સજ્જન કુમારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર કરાવવાની પરવાનગી માંગી હતી. તેના પર કોર્ટે કહ્યું હતું કે તમને સુપર વીઆઈપી તરીકે ન જોઈ શકાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button