કાશ્મીરના અનંતનાગમાં ભૂતપૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીની કારને અકસ્માત… | મુંબઈ સમાચાર
નેશનલ

કાશ્મીરના અનંતનાગમાં ભૂતપૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીની કારને અકસ્માત…

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન અને પીડીપીના વડા મહેબૂબા મુફ્તીની કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં થયો હતો. જોકે આ અકસ્માતમાં કારમાં સવાર તમામ લોકોનો બચાવ થયો હતો. ત્યારે આ અકસ્માત વિશે પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે સરકારે અકસ્માત કયા કારણસર અને કેવી રીતે થયો તે અંગે તપાસ કરવી જોઈએ.

પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે PDP ચીફ મહેબૂબા મુફ્તી આજે ખાનબલ આગની ઘટનાના પીડિતોને મળવા માટે જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર અકસ્માતનો ભોગ બની હતી. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને તેમના સુરક્ષા અધિકારીઓ કોઈ ગંભીર ઈજા થઈ નહોતી. જો કે તેમની કાર ખૂબજ ખરાબ રીતે ડેમેજ થઈ હતી. તેમજ તેમની અંગત સુરક્ષા માટે તહેનાત પોલીસ અધિકારીને સામાન્ય ઈજા થઈ હતી. કારનો અકસ્માત થયા બાદ પણ પીડીપી પ્રમુખ પૂર્વ આયોજિત પ્રવાસ માટે ગયા હતા.

નોંધનીય છે કે બે દિવસ પહેલા કેન્દ્ર શાસિત પ્રદેશના દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના ખાનબલ વિસ્તારની બોટ કોલોનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ડઝનેક ઘર આગમાં બળીને ખાખ થઈ ગયા હતા. આ આગ સવારે લગભગ ત્રણ વાગ્યે એક બિલ્ડિંગમાં લાગી હતી અને પછી તે ધીમે-ધીમે અન્ય બિલ્ડીંગોમાં પણ ફેલાઈ ગઈ હતી, આ આગના કારણે ઓછામાં ઓછા 13 પરિવારોના ઘરોને ભારે નુકસાન થયું હતું. જો કે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. સ્થાનિક લોકોની માંગ છે કે સરકારે પીડિત પરિવારોને વળતર આપવું જોઈએ અને તેમને રહેવા માટે કોઈ સરક્ષિત સ્થળ આપવું જોઈએ.

Back to top button