મધ્ય પ્રદેશમાં ભાજપના ભૂતપૂર્વ મંત્રીએ કોંગ્રેસનાં મહિલા નેતા સાથે લગ્ન કર્યાં

ભોપાલ: મધ્યપ્રદેશના રાજકારણમાં લાંબા સમય સુધી સક્રિય રહેલા પૂર્વ મંત્રી અને પૂર્વ મુખ્ય પ્રધાન સ્વ. કૈલાશ જોશીના પુત્ર દીપક જોશી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેમના ચર્ચામાં રહેવાનું કારણ તેનું કોઈ રાજકીય નિવેદન નહીં પરંતુ તેમનું અંગત જીવન છે. કારણ કે દીપક જોશીએ લગ્ન કર્યા છે તે મહિલા બીજું કોઈ નહિ પરંતુ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ સચિવ પલ્લવી રાજ સક્સેના છે. સોશિયલ મીડિયા પર આ લગ્નની તસવીરો અને વીડિયો વાયરલ થતા રાજકીય વર્તુળોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે.
મળતી વિગતો અનુસાર, આ લગ્ન ગત 4 ડિસેમ્બરના રોજ એક સાદા સમારોહમાં આર્ય સમાજ મંદિરમાં યોજાયા હતા. વાયરલ થયેલી તસવીરોમાં દીપક જોશી પલ્લવી રાજના માથામાં સેંથો ભરતા જોવા મળી રહ્યા છે. શરૂઆતમાં પલ્લવીએ આ તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી, પરંતુ બાદમાં તે ડિલીટ કરી દીધી હતી. જોકે, કોંગ્રેસ નેતા બ્રિજેન્દ્ર શુક્લાએ આ તસવીરો શેર કરી દીપક જોશીને અભિનંદન પાઠવતા આ લગ્નની વાત જાહેર ચર્ચાનો વિષય બની હતી.
દીપક જોશીના અંગત જીવનની વાત કરીએ તો, વર્ષ 2021માં કોરોના મહામારી દરમિયાન તેમની પ્રથમ પત્ની વિજયા જોશીનું અવસાન થયું હતું. પત્નીના અવસાન બાદ આ તેમના બીજા લગ્ન હોવાનું કહેવાય છે. દીપક જોશીની રાજકીય કારકિર્દી પણ ખૂબ જ ઉતાર-ચઢાવ વાળી રહી છે. વર્ષ 2013માં તેઓ દેવાસની હાટપિપલ્યા બેઠક પરથી જીતીને શિવરાજ સરકારમાં શિક્ષણ મંત્રી બન્યા હતા. જોકે, 2018માં હાર બાદ અને ત્યારબાદ બદલાયેલા રાજકીય સમીકરણોને કારણે તેઓ ભાજપથી નારાજ થયા હતા અને 2023માં કોંગ્રેસમાં જોડાયા હતા. જોકે, ટૂંકા સમય બાદ ગત નવેમ્બર 2024માં તેઓ ફરી એકવાર ભાજપમાં પરત ફર્યા છે.



