આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ
નંદ્યાલા: આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને તેલુગુ દેશમ પાર્ટીના વડા ચંદ્રબાબુ નાયડુની શનિવારે વહેલી સવારે છ વાગ્યે કથિત રૂ.૩૭૧ કરોડના કૌશલ્ય વિકાસ કૌભાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી.
એક લગ્ન હોલની બહાર તેઓ સૂતા હતા તે બસનો દરવાજો ખટખટાવીને પોલીસે કથિત રીતે એમની ધરપકડ કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે નાયડુને નંદ્યાલા નગરના જ્ઞાનપુરમ ખાતેના લગ્ન હોલમાંથી સવારે છ વાગ્યાની આસપાસ સીઆઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
સીઆઇડીની આર્થિક અપરાધ શાખાના ડીએસ પીએમ ધનંજયડુએ નાયડુને નોટિસ આપીને નાયડુની સંબંધિત
કાયદાની કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હોવાની જાણ કરી હતી.
નાયડુએ રાયદુર્ગમ, અનંતપુર જિલ્લાની તાજેતરની બેઠકમાં એવો સંકેત આપ્યો હતો કે તેમના પર ટૂંક સમયમાં હુમલો થશે અથવા એમની ધરપકડ કરવામાં આવશે.
દરમિયાન, ટીડીપીના અધિકૃત એક્સ હેન્ડલ (અગાઉનું ટ્વિટર)એ નાયડુની ધરપકડ કરવા માટે પોલીસની બસમાં ઘૂસી જતા નાટકીય વીડિયો શેર કર્યા હતા. વીડિયોમાં ટીડીપીના નેતાઓ પોલીસ અધિકારીઓ સાથે નાયડુનું એફઆઇઆરમાં નામ નથી તો ધરપકડ કરવા વિશે દલીલ કરતા જોવા મળે છે.
ટીવી વિઝ્યુઅલ સૂચવે છે કે રાજ્યમાં કેટલાક સ્થળોએ ટીડીપી કેડર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
સરકારના સલાહકાર એસ રામકૃષ્ણ રેડ્ડીએ મીડિયાને જણાવ્યું હતું કે આર્થિક ગુનામાં ધરપકડ પહેલાં પોલીસે નોટિસ આપવાની જરૂર નથી અને એફઆઇઆરમાં આરોપીના નામનો ઉલ્લેખ ન હોય. આ બે વર્ષ જૂનો કેસ છે, જેમાં કથિત કૌશલ્ય વિકાસ કૌભાંડમાં રૂ.૩૭૧ કરોડની ગેરરીતિ સામેલ છે.