કોલકાતામાં વિદેશી વ્લોગરને મળ્યું માના હાથનું ભોજનઃ વીડિયો થયો વાયરલ

મા પીરસે અને સંતાન જમે તે ખૂબ જ સુંદર દૃશ્ય હોય છે. માના હાથે સંતાન બે કોળિયા વધુ જ ખાય છે. જોકે આ લાડ નાના હોઈએ ત્યારે જ મા લડાવતી હોય છે, પરંતુ અહીં તો એક 30-35 વર્ષના યુવાનને અજાણી મહિલા મોઢાંમાં કોળિયા મૂકતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો ભારતના જાણીતા શહેર કોલકાતાનો જ છે.
@dustincheverier ડસ્ટિન ચેવરિયર નામનો ટ્રાવેલ વ્લોગર ભારતમા ફરવા આવ્યો હતો અને અહીં તે કોલકાતામાં એક હૉમ સ્ટેમાં રોકાયો હતો. તેણે એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં સ્થાનિક મહિલા તેની માટે રાઈસ પ્લેટ તૈયાર કરી રહી છે. વીડિયોમાં તે કહે છકે આજે વેજિટેરિયન ખાવાનું હશે કારણ કે આજે ગુરુવાર છે. ત્યાર બાદ તે કહે છે કે ઈન્ડિયન મમ્મી મને તેનાં હાથેથી જમાડી રહી છે. વ્લોગર ઝડપથી ખાઈ છે તો મહિલા તેને સ્લોલી સ્લોલી કહી ધીમેથી ખાવા કહી રહી છે. આ વીડિયોને 35 લાખ લોકોએ જોયો છે અને 2 લાખ કરતા વધારેએ લાઈક કર્યો છે.
આ પ્રકારે વિદેશીઓ જ્યારે સોલો ટ્રીપ પર નીકળે ત્યારે સ્થાનિક લોકોનો પ્રેમ અને વર્તન તેમની માટે મોટો સપોર્ટ સાબિત થાય છે. આ સાથે પ્રવાસીઓ ભારતની એક સારી છબિ પોતાના મનમાં લઈને જાય છે અને દેશના ટૂરિઝમને પણ વેગ મળે છે.
થોડા દિવસો પહેલા અમેરિકાએ એક સરક્યુલર બહાર પાડ્યું હતુ અને મહિલા સોલો ટ્રાવેલરને ચેતીને જવા કે ભારતમાં એકલા ન જવાની સલાહ આપી હતી. અમુક લોકો દ્વારા દેશને આ રીતે બદનામ કરવાની કોશિશ થતી હોય છે, પરંતુ એકંદરે ભારતમાં ટ્રાવેલિંગ સેફ છે અને આ પ્રકારનો સ્થાનિકોનો વર્તાવ દેશના અતિથિ દેવો ભવ સૂત્રને પણ સાર્થક કરે છે.