રામ મંદિરના નિર્માણમાં વિદેશી ભક્તો હવે ડાયરેક્ટ દાન કરી શકશે…
અયોધ્યા: દેશના ખૂણે-ખૂણેથી ભક્તોના દાનની રકમ 3500 થી 5000 કરોડની વચ્ચે પહોંચી ગઈ છે. ત્યારે જો હવે વિદેશથી સીધું દાન લાવવામાં આવશે, ત્યારે આ રકમમાં ઘણો વધારો થઇ શકે છે. રામ મંદિર ટ્રસ્ટ તરફથી જાણવા મળ્યું હતું કે હાલમાં રામ મંદિરના નિર્માણ માટે એટલા પૈસા મળ્યા છે કે જો આગામી 10 વર્ષ સુધી આ રીતે કામ ચાલતું રહેશે તો પૈસાની કોઈ કમી નહીં આવે. તેમણે કહ્યું હતું કે મંદિર નિર્માણનું કામ અત્યાર સુધી ઉપલબ્ધ ભંડોળમાંથી જ કરવામાં આવી રહ્યું છે.
1976માં કેન્દ્ર સરકાર દ્વારા FCRA એક્ટ બનાવવામાં આવ્યો હતો જેથી વિદેશીમાંતી દેશમાં આવતી રકમ પર નજર રાખવામાં આવે છે. તેમજ આ રકમ કોના ખાતામાં જાય છે અને તેનો ક્યાં ઉપયોગ કરવામાં આવશે તે તમામ માહિતી અગાઉથી આપવાની રહે છે અને જો વિદેશની સરકારને યોગ્ય લાગે તો જ તે ફંડ ટ્રાન્સફર કરે છે. આ પછી 2010માં આ કાયદામાં કેટલાક સુધારા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 2015માં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેમાં કેટલાક નવા નિયમો પણ ઉમેર્યા હતા. ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે જે સંસ્થાઓ વિદેશમાંથી ફંડ મેળવી રહી છે તેમણે સ્પષ્ટ કરવું પડશે કે તે ભંડોળના ઉપયોગથી ભારતની અખંડિતતા, સાર્વભૌમત્વ અને અન્ય દેશો સાથેના સંબંધો પર કોઈ અસર નહીં પડે. ત્યારે આ નિયમ અનુસાર હવે અયોધ્યા મંદિરમાં વિદેશી નાગરિકે પણ સરળતાથી દાન કરી શકશે.
અયોધ્યામાં રામ મંદિરનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. રામલલાના ભવ્ય મંદિરના પહેલા માળનું બાંધકામ પૂર્ણ થવાની તૈયારીમાં છે. જ્યારથી રામલલાના મંદિરના નિર્માણનો શિલાન્યાસ થયો છે ત્યારથી દેશભરમાં અનેક સંસ્થાઓએ રામ મંદિરમાં દાન આપવા માટે ભંડોળ એકત્ર કરી રહી છે અને મંદિરના નિર્માણમાં મદદ કરી છે. એટલું જ નહીં દેશની બહાર રહેતા ભક્તોએ પણ રામ મંદિર નિર્માણ માટે દાન આપ્યું છે.
અગાઉ ઘણા વિદેશી ભક્તો રામ મંદિરના નિર્માણમાં યોગદાન આપવા માંગતા હતા. પરંતુ તેઓ દાન આપી શકતા નહોતા કારણ કે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) 2010ના કારણે તેમને ભારતમાં સીધું દાન આપવું અશક્ય હતું. જો કે હવે વિદેશમાં રહેતા રામ ભક્તો મંદિરમાં ડાયરેક્ટ દાન આપી શકે છે. FCRAની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ થઈ ગઈ છે અને હવે વિદેશી ભક્તો પણ સીધું દાન કરી શકશે. રામ મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિવેદન જારી કરવામાં આવ્યું છે કે જે કોઈ પણ યોગદાન માટે અરજી કરશે તેને 90 દિવસની અંદર પ્રમાણપત્ર આપવામાં આવશે.