પાલિતાણા જતી ટ્રેનમાં ૯૦ મુસાફરને ફૂડ પોઇઝનિંગ | મુંબઈ સમાચાર
નેશનલ

પાલિતાણા જતી ટ્રેનમાં ૯૦ મુસાફરને ફૂડ પોઇઝનિંગ

પુણે: ચેન્નાઇથી ગુજરાતના પાલિતાણા તરફ આવી રહેલ ભારત ગૌરવ ટ્રેનમાં મુસાફરોને ફૂડ પોઇઝનિંગ થયું હતું. મુસાફરોની તબિયત બગડતા તેમની સારવાર માટે પુણે રેલવે સ્ટેશન પર તાત્કાલીક વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. ઉપરાંત સસૂન હૉસ્પિટલમાં પણ મુસાફરોની સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. લગભગ ૯૦ મુસાફરોને ફૂડ પોઇઝનિંગ થયું હોવાની જાણકારી મળી છે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતના પાલિતાણા ખાતે એક ધાર્મિક કાર્યક્રમ માટે જૈન સમાજના એક જૂથ દ્વારા ‘ભારત ગૌરવ’ ટ્રેનનું પ્રાઇવેટ બુકિંગ કરવામાં આવ્યું હતું. ભારત ગૌરવ યાત્રા ટ્રેન ચેન્નાઇથી ગુજરાત તરફ આવી રહી હતી. ટ્રેનોમાંથી પેન્ટ્રી કાર કાઢી નાખવામાં આવી હોવા છતાં આ વિશેષ ટ્રેનમાં ખાવા-પીવાની સુવિધા આપવામાં આવી હતી. જોકે, ટ્રેનનું બુકિંગ કરાવેલા જૂથે તેમના ખાવાપીવાની વ્યવસ્થા જાતે જ કરી હતી અને રેલવે કે આઇઆરસીટીસી દ્વારા તેમને ટ્રેનમાં કોઇ ભોજન પિરસવામાં નહોતું આવ્યું. પ્રવાસ કરી રહેલા મુસાફરોએ આહાર ગ્રહણ કર્યા બાદ ટ્રેનમાં ૯૦ મુસાફરોને ફૂડ પોઇઝનિંગની અસર જોવા મળી હતી. તેમને અચાનક જ ઝાડા, ઉલટી અને માથામાં દુખાવો થવા માંડ્યો હતો. તે સમયે ટ્રેન સોલાપુરથી નીકળીને પુણે તરફ જઇ રહી હતી. પરિસ્થિતિની ગંભીરતા સમજીને પુણે પર મુસાફરોને સારવાર આપવાની ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. પ્લેટફોર્મ પર જ વિશષ ડૉક્ટરોની ટીમ તૈયાર રાખવામાં આવી હતી. પ્લેટફોર્મ પર જ જે લોકોને ફૂડ પોઇઝનીંગ થયું હતું તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યાર બાદ વધુ સારવાર માટે તેમને સસૂન હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સસૂન હૉસ્પિટલમાં આ મુસાફરો માટે બેડ તૈયાર રાખવાની સૂચના આપવામાં આવી હતી. ટ્રેન જેવી પુણે સ્ટેશન પહોંચી કે હાજર રહેલા ડૉક્ટરોએ ફૂડ પોઇઝનિંગ થયેલા દરેક મુસાફરોને તપાસી તેમને દવા અને જરૂરી સારવાર આપી હતી. તબીબી સારવાર માટે ટ્રેન ૫૦ મિનિટ સુધી પુણે સ્ટેશન પર ઊભી રહી હતી. દવા લીધા બાદ બધા મુસાફરોની સ્થિતિમાં સુધાર આવ્યો હતો અને ત્યાર બાદ ટ્રેન તેના ગંતવ્ય સ્થાન માટે રવાના થઇ હતી.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button